મિસ પુડુચેરી 2021 સૈન રેચલે ઊંઘની ગોળી ખાઈ જીવ ટૂંકાવ્યો, ડિપ્રેશનથી પીડાતી હોવાના પ્રાથમિક અહેવાલ

મુંબઈ: એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 25 વર્ષીય મૉડલ અને મિસ પુડુચેરી સૈન રેચલે આત્મહત્યા કરી લીધી છે. રવિવારે પુડુચેરીની જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (JIPMER) હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ ઘટનાએ ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાવી છે.
સૈન રેચલની આત્મહત્યાની ઘટના
સૈન રેચલે, જેમનું અસલી નામ શંકર પ્રિયા હતું, તેણે 5 જુલાઈના રોજ નીંદની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમના પિતાના ઘરે આ ઘટના બની, જ્યાંથી તેમને તાત્કાલિક પુડુચેરી સરકારી હૉસ્પિટલ લઈ જવાયા. પછી ખાનગી હૉસ્પિટલમાં અને અંતે JIPMERમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહીં. ઉરલૈયનપેટ્ટઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, જો કે આ મામલે હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
રંગભેદ વિરુદ્ધ સૈનનો સંઘર્ષ
સૈન રેચલે 2021માં મિસ પુડુચેરી અને 2019માં મિસ ડાર્ક ક્વીન તમિલનાડુનું ટાઈટલ જીત્યુ હતું. તેમણે મૉડલિંગ ઈન્ડસ્ટ્રીમાં શ્યામ વર્ણને લઈને થતા ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો. લંડન, જર્મની અને ફ્રાન્સમાં આંતરરાષ્ટ્રીય બ્યૂટી પેજન્ટ્સમાં ભાગ લઈને તેમણે ભારતનું નામ રોશન કર્યું. સૈન મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે પણ સક્રિય હતા.
ડિપ્રેશન અને વ્યક્તિગત જીવન
સૈનની નાની ઉંમરે માતાનું અવસાન થયું હતું અને તેમના પિતાએ તેને ઉછેરીને મૉડલિંગ માટે પ્રોત્સાહન આપ્યુ હતુ. ગયા વર્ષે સૈનના લગ્ન થયા હતા, પરંતુ તેઓ ડિપ્રેશનથી પીડાતા હતા. પ્રાથમિક પોલીસ તપાસમાં નાણાકીય સમસ્યાઓ અને તણાવનું કારણ બહાર આવ્યા હોવાની માહિતી મળી છે. પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે. ચાહકો સૈનના નિધનથી દુઃખી છે અને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.