રેમ્પ વોક કરતાં કરતાં અચાનક પડી ગઈ મિસ જમૈકા ગ્રેબિએલ હેન્રી, સ્ટ્રેચર પર પહોંચી હોસ્પિટલ…

હાલમાં જ્યાં જુઓ ત્યાં થાઈલેન્ડમાં ચાલી રહેલી મિસ યુનિવર્સ-2025ની ચર્ચા ચાલી રહી છે. આ ઈવેન્ટના ત્રણ નિર્ણાયકોએ રાજીનામું આપી દીધું હતું અને એને કારણે ખાસ્સો એવો વિવાદ થયો હતો. હવે આ ઈવેન્ટને લઈને જ એક બીજા માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આ પેજન્ટની શરૂઆતમાં ઈવનિંગ ગાઉન સેગમેન્ટ દરમિયાન વોક કરતાં મિસ જમૈકા ગ્રેબિએલ હેન્રી પડી ગઈ હતી અને ત્યાર બાદ તેને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હવે ડોક્ટર્સ દ્વારા હેલ્થ અપડેટ શેર કર્યું છે. ચાલો જોઈએ શું કહ્યું છે ડોક્ટરોએ…
સોશિયલ મીડિયા પર મિસ યુનિવર્સ 2025 પેજન્ટના ફાઈનલ્સ પહેલાં ઈવનિંગ ગાઉન સેગમેન્ટના અનેક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં જોવા મળે છે મિસ જમૈકા ગ્રૈબિએલ હેન્રી વોક કરતાં કરતાં બેલેન્સ ગુમાવી દે છે અને નીચે પડી જાય છે. આ જોઈને ત્યાં હાજર લોકોમાં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ તરત જ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
આ પણ વાંચો: શાહીદ કપૂર ડાન્સ કરતા કરતા અચાનક પડી ગયો ને…
મિસ યુનિવર્સ જમૈકા ઓર્ગેનાઈઝેશને 19મી નવેમ્બરના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ગ્રૈબિએલ હેન્રી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સે જણાવ્યું હતું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. ગ્રૈબિએલને કોઈ જીવલેણ કે ગંભીર ઈજા નથી પહોંચી. જોકે, પૂર્ણપણે સ્વસ્થ થવા સુધી તેમણે મેડિકલ ટેસ્ટ અને એક્ઝામિનેશન હેઠળ રહેવું પડશે.
મિસ યુનિવર્સ જમૈકા સંગઠને આ વિશે માહિતી આપતાં અને ગ્રૈબિએલ વિશે ચિંતા વ્યક્ત કરતાં એક નોટ શેર કરી છે. આ નોટમાં જણાવવામાં આવ્યું છે કે મિસ યુનિવર્સ જમૈકા સંગઠન લોકોને સૂચના આપવા માગે છે કે ડો. ગ્રૈબિએલ હેન્રી, મિસ યુનિવર્સ જમૈકા 2025, થાઈલેન્ડમાં આ વીકએન્ડ પર થનાર મિસ યુનિવર્સ ફાઈનલ પહેલાંની પ્રારંભિક પ્રતિયોગિતાના ઈવનિંગ ગાઉન રાઉન્ડ દરમિયાન સ્ટેજ પરથી પડી ગઈ હતી.
આ પોસ્ટમાં આગળ એવું જણાવવામાં આવ્યું હતું કે તેમને પાઓલો રંગસિટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટર્સ તેની દેખરેખ કરી રહ્યા છે. અમે બધાને અનુરોધ કરીએ છીએ કે તેમને પ્રોત્સાહન આપે અને એમના માટે પ્રાર્થના કરો. તમામ લોકોના પ્રેમ, સમર્થન અને પ્રાર્થનાઓ માટે ધન્યવાદ આપીએ છીએ.



