શું ખરેખર એમએફ હુસૈન માધુરી દિક્ષિતનાં ફેન ન હતા? ચિત્રકાર વિશે આવો દાવો કોણે કર્યો?
મનોરંજન

શું ખરેખર એમએફ હુસૈન માધુરી દિક્ષિતનાં ફેન ન હતા? ચિત્રકાર વિશે આવો દાવો કોણે કર્યો?

ખૂબ જ જાણીતા ચિત્રકાર મકબૂલ ફીદા હુસૈન વિશે ઘણી વાતો થઈ છે. તેમની હયાતીમાં ઘણા વિવાદો પણ થયા છે અને વિવાદો એટલી હદે વકર્યા કે તેમણે ભારત છોડવું પડ્યું, પરંતુ તેઓ જ્યારે અહીં હતા ત્યારે તેમની બોલીવૂડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિત માટેની દિવાનગી ચર્ચાનો વિષય રહ્યો હતો.

એમ એફ હુસૈને માધુરી પ્રત્યેનો પોતાનો પ્રેમ જગજાહેર કર્યો હતો. તેનાં ચિત્રો બનાવ્યા હતા, એટલું જ નહીં માધુરીની ફિલ્મો તેઓ વારંવાર જોતા. એક ફિલ્મ તેમણે 67 વાર જોઈ હતી અને હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે માધુરીને હીરોઈન તરીકે લઈ ફિલ્મ ગજગામીની બનાવી હતી. આ ફિલ્મ ફ્લોપ ગઈ અને હુસૈનને નુકસાન પણ ગયું.

હવે તેમનો ભત્રીજો ફીદા હુસૈન એવો દાવો કરી રહ્યો છે તે ચિત્રકારને માધુરી દિક્ષિત પસંદ હતી કે તેઓ તેમના બહુ મોટા ચાહક હતા કે તેવું કંઈ નથી, તે સમયે માધુરી ઘણી ફેમસ હતી અને હુસૈને માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે આ બધુ કર્યું હતું. તેમને ખબર હતી કે ઘરે ઘરે ફેમસ થવા માટે માધુરી તેમની માટે બેસ્ટ ઑપ્શન સાબિત થઈ શકે તેમ છે.

ફીદાની આ વાત પર વિશ્વાસ કરવાનું મન થતું નથી. એક તો હુસૈન અલગારી હતા અને ચિત્ર દોરતા પહેલા તેમણે ફેમસ થવાનું વિચાર્યું હશે તે માનવામાં આવે તેમ નથી. તેમના ચિંત્રો વિદેશોમાં ઘણા જ ફેમસ હતા અને તેમનું નામ હતું જ, તેમણે આ માટે માધુરીનો સહારો લેવાની જરૂર નથી. પોતાનો કિંમત સમય અને કલા તેઓ માધુરીના ચિત્રો પાછળ બગાડે અને કરોડોનું આંધણ તેની ફિલ્મ બનાવવા માટે કરે તે ગળે ઉતરે તેમ લાગતું નથી.

એમએફ હુસૈનને માધુરીના ફેન થવામાં કોઈ ફાયદો થાય તેમ માનવું ખોટું કહેવાશે, હા, માધુરીને આવો અદભૂત ચિત્રકાર ફેન મળ્યાનો ફાયદો જરૂર થયો હશે. મકબૂલ ફીદા હુસૈનને યાદ કરવાનો આ અવસર એટલા માટે આવ્યો છે કે તેમના જીવન પર એક મ્યુઝિયમ લાવ્હ વા કલમ કતારમાં ખૂલવા જઈ રહ્યું છે. આ મ્યુઝિયમની ડિઝાઈનિંગ વગેરે હુસૈન જીવિત હતા ત્યારે થયું હતું.

ભારતના પંઢઞરપુરમાં જન્મેલા હુસૈને જીવનનો ઘણો સમય અમદાવાદમાં કાઢ્યો છે. અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલી લકી હોટેલમાં તેઓ બેસતા અને ચા પીતા પીતા પેન્ટિંગ કરતા ઘણાએ જોયા છે. જોકે તેમણે દેવી દેવતાઓને અણછાજતી મુદ્રામાં બતાવતા ચિત્રો બનાવી ભારે રોષનો સામનો કર્યો હતો.

ત્યારબાદ તેમના પર દેશમાં 1200 જેટલા કેસ થયા હતા. તેમણે માફી પણ માગી હતી. 2006માં તેમનો દેશનિકાલ કરવામા આવ્યો હતો. આ વાતનો તેમને હંમેશાં અફસોસ રહ્યો અને 90 વર્ષની ઉંમરે કતારની નાગરિકતા મેળવતા સમયે તેમની આંખમાં આસું હતાં. જોકે હજુ પણ ચિત્રકાર તરીકે તેમની બરાબરી કોઈ કરી શક્યું નથી. ભારતીય ચિત્રકારોમાં સૌથી મોંઘી તસવીરો તેમની જ વેચાય છે. તાજેતરમાં જ તેમનું એક પેન્ટિંગ રૂ. 118 કરોડમાં વેચાયું હતું.

આ પણ વાંચો…દર દિવાળીએ માધુરી દિક્ષિતને યાદ આવે છે આઘાતજનક ઘટના.. જાણો શું છે કારણ…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button