રિ-રિલિઝમાં જબરી કમાણી કરનારી ફિલ્મની હીરોઈન માવરા હોકેને કહ્યું કે…

ફિલ્મોને રિ-રિલિઝ કરવાનો ટ્રેન્ડ યે જવાની હૈ દિવાની પછી સનમ તેરી કસમના નિર્માતાઓને ફળ્યો છે. આ ફિલ્મે કુલ રૂ. 37 કરોડનો બિઝનેસ કર્યો છે અને હજુ અમુક થિયેટરોમાં ચાલી રહી છે. જોકે હવે તેના કલેક્શનમાં ઘટાડો થયો છે, પરંતુ 2016માં ફ્લોપ થયેલી આ ફિલ્મ તેના બજેટ કરતા ડબલ કમાઈ ગઈ છે અને હવે તો નિર્માતાઓએ તેની સિક્વલની જાહેરાત પણ કરી છે.
જોકે સિક્વલમાં લગભગ રીતે પાકિસ્તાની હિરોઈન માવરા હોકેન નહીં હોય, કારણ કે તે પહેલા જ ભાગમાં મૃત્યુ પામતી બતાવવામાં આવી છે.
સાઉથ ઈન્ડિયન પરિવારની સાવ સાદીસીધી છોકરી સરસ્વતીના પાત્રમાં માવરાએ ઘણું સારું કામ કર્યું છે. ત્યારબાદ માવરા એક પણ ભારતીય ફિલ્મમાં દેખાઈ નથી. આ અંગે તેણે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ત્યારબાદ મને ત્રણ ફિલ્મ ઓફર થઈ હતી, પરંતુ મેં અલગ અલગ કારણોસર સાઈન કરી નહીં. જોકે તેણે કારણો આપવાનું યોગ્ય ન લાગતા તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મો સાથે જોડાયેલા લોકોનું સન્માન જળવાય રહે અને જે પ્રોજેક્ટમાં હું કામ ન કરતી હોય તે વિશે બોલવું હું પસંદ કરતી નથી.
આ પણ વાંચો…‘છાવા’ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ; પેહલા વિકેન્ડ પર કરી બમ્પર કમાણી
માવરાએ ફિલ્મની હાલની સફળતા માટે ખુશી વ્યક્ત કરી હતી. સનમ તેરી કસમ જ્યારે રિલિઝ થઈ ત્યારે તેણે રૂ. 9 કરોડનું જ કલેક્શન કર્યું હતું જે નિર્માતાઓએ લગાવેલી રૂ. 15 કરોડની રકમ કરતા પણ ઓછું હતું. ત્યારે હવે ફિલ્મે કુલ 37 કરોડ આસપાસ કલેક્શન કરતા નિર્માતાઓ પણ કમાયા છે. ફિલ્મે ઓટીટી પર સારો પ્રતિસાદ મેળવ્યો હતો. લવસ્ટોરી હોવાથી તેને વેલેન્ટાઈન્સ વિકના દિવસે જ રિલિઝ કરવામાં આવી હતી અને તેનો ફાયદો નિર્માતાને થયો છે.