ટોપ ન્યૂઝમનોરંજન

જ્યારે મનોજ કુમાર ઇન્દિરા ગાંધી સામે ઉતર્યા મેદાને અને કોર્ટમાં સરકારને હરાવી…. જાણો કિસ્સો

ભારતીય સિનેમાના ઇતિહાસમાં ઘણા કલાકારો આવ્યા અને ગાયબ થઈ ગયા, પરંતુ દિગ્ગજ અભિનેતા મનોજ કુમારની જોડ મળે તેવી નથી. મનોજ કુમારે હિન્દી સિનેમાને ફિલમરૂપી અનેક રત્નો આપ્યા અને તેની સાથે જ હંમેશા પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા. પોતાની ફિલ્મો દ્વારા લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી અને તેઓ દેશભક્તિ પર આધારિત ફિલ્મો બનાવનારા પહેલા બોલિવૂડ અભિનેતા બન્યા. આ અભિનેતાએ 4 એપ્રિલના રોજ 87 વર્ષની વયે કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનો માંહ્યલો ખૂબ જ નીડર વ્યક્તિત્વનો હતો અને તેઓ તેમના હિંમતભર્યા સ્વભાવ માટે જાણીતા હતા. આ જ સ્વભાવ સાથે, તેમણે કટોકટીના સમયગાળા દરમિયાન ઇન્દિરા ગાંધી સાથે પણ લડાઈ કરી હતી. ચાલો જાણીએ તેના વિશે.

ઇન્દિરા ગાંધીની સામે પડ્યા હતા મેદાને

આ કિસ્સો મનોજ કુમાર અને ઇન્દિરા ગાંધી વચ્ચેના વિવાદનો છે, જ્યારે કટોકટીની ઘોષણા બાદ બંને એકબીજા સાથે સામસામે આવી ગયા હતા. પ્રારંભમાં તો મનોજ કુમાર અને વડા પ્રધાન ઇન્દિરા ગાંધી વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કટોકટી જાહેર થતાં જ બંને વચ્ચે બધુ બદલાઈ ગયું. મનોજ કુમારે કટોકટીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. એવું કહેવાય છે કે કટોકટીનો વિરોધ કરનારા ફિલ્મ સ્ટાર્સ પર એટલો બધો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કે તેમની ફિલ્મો પણ રિલીઝ થતાં જ પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : ભારત કુમારના હુલામણા નામથી પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું નિધન, બૉલીવુડમાં શોકનો માહોલ

રિલીઝ પૂર્વે તેમની ફિલ્મ દૂરદર્શન પર આવી

આવી હાલત મનોજ કુમારની ફિલ્મ ‘દસ નંબરી’ની થઈ કે જેને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ફિલ્મ ‘શોર’ પણ આવી જ ઘટના બન્યા બાદ રિલીઝ થઈ હતી. ‘શોર’ ના દિગ્દર્શક અને નિર્માતા બંને મનોજ હતા. આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તેને દૂરદર્શન પર બતાવવામાં આવી હતી, જેના કારણે ફિલ્મ થિયેટરોમાં કમાણી કરી શકી નહીં અને તેને ભારે નુકસાન થયું.

અંતે સરકાર સામે જીત્યા કેસ

આવી સ્થિતિમાં, અંતે મનોજ કુમારે કોર્ટનો દરવાજો ખટખટાવવો. તે ઘણા અઠવાડિયા સુધી કોર્ટના ધક્કા ખાધા, પરંતુ અંતે તેને સફળતા મળી. કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં આવ્યો. મનોજ કુમાર ઇન્દિરા ગાંધી અને સરકાર સામેનો કેસ જીતી ગયા. આ સાથે, તેઓ એકમાત્ર એવા ફિલ્મ નિર્માતા છે જેમણે ભારત સરકાર સામે કેસ જીત્યો છે. આ કેસ બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેમને ‘ઇમર્જન્સી’ પર ફિલ્મ બનાવવાની ઓફર આપી હતી, પરંતુ મનોજે તેને નકારી કાઢી અને તેમના માટે કોઈ ફિલ્મ બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button