મનોજ બાજપેયીની આ ફિલ્મની ઓસ્કર લાઇબ્રેરીમાં થઇ એન્ટ્રી…
આદિવાસી જીવન પરની કથાને મળી ચારેય બાજુથી પ્રશંસા
બોલીવુડ અભિનેતા મનોજ બાજપેયીની ફિલ્મ ‘Joram’ની ઓસ્કર લાઇબ્રેરીમાં એન્ટ્રી થઇ છે, એટલે કે આ ફિલ્મની સ્ક્રીપ્ટ અને સ્ક્રીનપ્લેને વિશ્વભરના નિષ્ણાતો તથા ફિલ્મમેકિંગ શીખી રહેલા વિદ્યાર્થીઓ માટે એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ લાઇબ્રેરીએ તેના કોર કલેક્શનમાં સ્થાન આપ્યું છે. ફિલ્મે બોક્સઓફિસ પર ખાસ દેખાવ ન કર્યો હોવા છતાં વિશ્વસ્તરે તેને નામના પ્રાપ્ત થઇ છે.
ગત આઠમી ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ક્યારે આવીને જતી રહી કોઇને ખ્યાલ પણ ન રહ્યો. જો કે ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં તેને રજૂ કરવામાં આવી હતી અને તેને સારો પ્રતિસાદ પણ સાંપડ્યો હતો. ‘જોરમ’ને ઓસ્કર લાઇબ્રેરીમાં સ્થાન મળવા અંગે મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ પણ મુકી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે ‘મેં ક્યારેય કોઇ વેલિડેશન માટે કામ કર્યું નથી. હું ફક્ત પેશન માટે જ કામ કરું છું.’
‘જોરમ’ ફિલ્મની કથા આદિવાસી પૃષ્ઠભૂમિ બતાવે છે. મનોજ બાજપેયી આ ફિલ્મમાં દસરુ નામનું પાત્ર ભજવી રહ્યા છે. તેની પત્નીની હત્યા થઇ જાય છે અને હત્યાનો આરોપ તેના પર લાગે છે. ધરપકડથી બચવા માટે તે પોતાની 3 મહિનાની પુત્રીને લઇને નાસી જાય છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર માંડ 40 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
ઓસ્કર લાઇબ્રેરી વર્ષ 1928માં સ્થાપિત થઇ હતી. તે અમેરિકાના લોસ એન્જલસમાં આવેલી છે. આ લાઇબ્રેરી વિશ્વભરના ફિલ્મ નિષ્ણાતો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ચોક્ક્સ ફિલ્મો વિશેના સંશોધનની સામગ્રી પૂરી પાડે છે.