‘રામ તેરી ગંગા મૈલી’થી સ્ટારડમ અને ફિલ્મી દુનિયાથી દૂરી, જાણો મંદાકિની અજાણી વાતો
દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધોની અટકળોએ બોલીવુડમાં ધમાલ મચાવી હતી…

1985ની સુપરહિટ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં ‘ગંગા’ની ભૂમિકા ભજવીને ભૂરી આંખોવાળી અભિનેત્રી મંદાકિનીએ રાતોરાત ખ્યાતિ મેળવી હતી. આ અભિનેત્રીનો આજે એટલે કે 30 જુલાઈએ 61મો જન્મદિવસ છે. 30 જુલાઈ 1963ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠમાં જન્મેલી યાસ્મીન જોસેફ મંદાકિની બની. આ અભિનેત્રીની વાર્તા જેટલી પ્રેરણાદાયક છે તેટલી જ વિવાદોથી ભરેલી પણ છે. મંદાકિનીની સુંદરતા, અભિનય અને તેના અંગત જીવનના ઉતાર-ચઢાવ તેને હંમેશાં લાઇમલાઇટમાં રાખતા રહ્યા. ચાલો જાણીએ તેના વિશેની કેટલીક વાતો.
મંદાકિનીએ 22 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું સાચું નામ યાસ્મીન છે. ફિલ્મ નિર્માતા અને અભિનેતા રાજ કપૂરે તેમને ‘મંદાકિની’ નામ આપ્યું હતું. મંદાકિનીએ 1985માં બંગાળી ફિલ્મ ‘અંતારેર ભાલોબાશા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે તે જ વર્ષે ‘મેરા સાથી’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.
આ પણ વાંચો: શું મંદિરા બેદી ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2’માં એન્ટ્રી કરશે?
જો કે, તેને ખરી ઓળખ રાજ કપૂરની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી મળી હતી. ફિલ્મમાં તેના અંતરંગ દ્રશ્યોએ તે સમયે ભારે ચર્ચા જગાવી હતી, જેના માટે ફિલ્મને પ્રશંસાની સાથે સાથે વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે નોમિનેશન પણ મળ્યું હતું.
‘રામ તેરી ગંગા મૈલી’ની સફળતાએ મંદાકિનીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. 80ના દશકમાં તેણે ‘ડાન્સ-ડાન્સ’, ‘કમાન્ડો’, ‘લોહા’, ‘જાલ’, ‘પ્યાર કે નામ કુરબાન’, ‘શાનદાર’, ‘સિંહાસન’, ‘અગ્નિ’ અને ‘જોરદાર’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે, તેની મોટાભાગની ફિલ્મો સફળતા મેળવી શકી નહીં. છતાં, તેની સુંદરતા અને અભિનય લોકપ્રિય રહ્યા.
મંદાકિનીનું કરિયર એટલું સરળ નહોતું. પુરુષ-પ્રધાન ઇન્ડસ્ટ્રીમાં તેની સામે ઘણા પડકારો હતા. એક ઇન્ટરવ્યુમાં, તેણે જણાવ્યું હતું કે એકવાર એક નિર્માતાએ તેને સ્ક્રિપ્ટ સંભળાવી અને તે ફિલ્મ કરવા માટે સંમત થઈ ગઈ, પરંતુ બાદમાં ઓછી ફીને કારણે બીજી અભિનેત્રીની પસંદગી કરવામાં આવી. આવી ઘટનાઓએ તેની કારકિર્દીને અસર કરી હતી.
આ પણ વાંચો: શું મંદિરા બેદી ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2’માં એન્ટ્રી કરશે?
દાઉદ સાથે તેનું નામ જોડાતા હોબાળો મચી ગયો હતો
મંદાકિનીના જીવનનો સૌથી મોટો વિવાદ 1994માં શરૂ થયો હતો જ્યારે દુબઈના શારજાહ સ્ટેડિયમમાં તેની અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ક્રિકેટ મેચ જોતી તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોએ બોલિવૂડમાં હલચલ મચાવી દીધી હતી. મીડિયામાં અફવા ફેલાઈ હતી કે મંદાકિની અને દાઉદ વચ્ચે પ્રેમ સંબંધ હતો. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદે મંદાકિનીને ઘણી ફિલ્મોમાં કામ અપાવવામાં મદદ કરી હતી.
જોકે, મંદાકિનીએ હંમેશા આ અફવાઓનું ખંડન કર્યું હતું. દાઉદ સાથે નામ જોડાતા તેની કારકિર્દી પર અસર પડી હતી. ફિલ્મ નિર્માતાઓ તેને કાસ્ટ કરવામાં ખચકાટ અનુભવતા હતા અને ધીમે ધીમે તેની કારકિર્દી ખતમ થવા લાગી. 1996માં તેની છેલ્લી ફિલ્મ ‘જોરદાર’ રિલીઝ થઈ હતી, ત્યારબાદ તેણે બોલિવૂડને અલવિદા કહ્યું.
આ પણ વાંચો: ઓહ નો અડધી રાતે આ હાલતમાં એરપોર્ટ પર દેખાઈ એક્ટ્રેસ, વીડિયો થયો વાઈરલ…
1990માં મંદાકિનીએ ભૂતપૂર્વ બૌદ્ધ સાધુ કાગ્યુર ટી. રિનપોચે ઠાકુર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી મંદાકિનીએ ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી અને સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું. તેમને બે બાળકો છે, પુત્ર રબ્બિલ ઠાકુર અને પુત્રી ઇનાયા. મંદાકિનીએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે અને તે દલાઈ લામાના અનુયાયી છે. હાલ મંદાકિની અને તેમના પતિ મુંબઈમાં એક તિબેટિયન યોગ કેન્દ્ર ચલાવે છે, જ્યાં તેઓ યોગ અને ધ્યાન શીખવે છે. 26 વર્ષ પછી 2022માં મંદાકિનીએ તેના દીકરા રબ્બીલ સાથે ‘માં ઓ માં’ મ્યુઝિક વીડિયો દ્વારા પુનરાગમન કર્યું હતું.