કેસ ઠોકી દઈશઃ માહી વિજે ડિવોર્સની અફવા ફેલાવનારાને આપી ચેતવણી…

ટીવીજગતનું જાણીતું કપલ જય ભાનુશાળી અને માહી વિજનાં છૂટાછેડાની ખબરોએ આજકાલ ટોપ ન્યૂઝમાં સ્થાન મેળવ્યું છે. બન્ને 14 વર્ષના લગ્નજીવનનો અંત આણવા તરફ જઈ રહ્યા છે. જોકે અગાઉ પણ તેમના ડિવોર્સની વાતો વહેતી થઈ હતી, પરંતુ હાલમાં દરેક મીડિયામાં તેમના ડિવોર્સ પેપર સાઈન થઈ ગયા છે અને તેઓ જુલાઈ-ઓગસ્ટમાં જ અલગ રહેતા હતા.
આ સાથે તેમણે બાળકોની કસ્ટડી અંગે પણ નિર્ણયો લઈ લીધા છે, વગેરે જેવા વિષયો સતત ચર્ચામાં હતા.
આ કપલને પ્રેમ કરતા ફેન્સ આ ખબરથી દુઃખી થઈ ગયા હતા. કપલે 2011માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ 2019માં આઈવીએફની મદદથી એક બાળકીના માતા-પિતા બન્યા હતા. આ સાથે તેમણે પોતાના ઘરનોકરના બે સંતાનને દત્તક લઈ તેમની જવાબદારી પણ લીધી હતી.

જોકે આ બધી વાત ખોટી સાબિત થઈ છે. આવા ખોટા રિપોર્ટથી કંટાળી અભિનેત્રી માહી વિજે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે. thou.ghtful6 નામના એકાઉન્ટ પર બન્નેના છૂટાછેડાની ખબર આપતી પોસ્ટ વાયરલ થઈ હતી. માહીએ તે પોસ્ટને રિ-પોસ્ટ કરી લખ્યું છે કે ખોટી ખબરો ફેલાવવાનું બંધ કરો. આવી પોસ્ટ સામે હું કાનૂની કાર્યવાહી કરીશ.
માહીની આ પોસ્ટથી સમજી શકાય કે તેને આવી ખબરોને લીધે તકલીફ પહોંચી છે. કપલ વચ્ચે જે કંઈ હોય તે તેમની વ્યક્તિગત જિંદગી છે, પરંતુ સોશિયલ મીડિયાને લીધે આવી ઘણી ખબરો લીક થાય છે અથવા તો અફવાઓ ફેલાયા કરે છે.



