માતા આલિયાની નહીં પણ માસી પૂજા ભટ્ટની ફિલ્મ રાહાને દેખાડશે નાના મહેશ ભટ્ટ
ફિલ્મમેકર મહેશ ભટ્ટ નાના બનીને ખૂબ જ ખુશ છે. તેઓ કહે છે કે રણબીર કપૂર–આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂરના આગમનથી તેની જિંદગી હવે પહેલા જેવી નથી રહી. એમાં દરરોજ ફેરફારો થાય છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ રાહાને કઇ ફિલ્મ બતાવવા માગશે, ત્યારે રાહાના નાનાએ જણાવ્યું હતું કે, આ માટે તેઓ રાહાના 16 વર્ષની થવાની રાહ જોઈ રહ્યા છે.
તેમણે જે ફિલ્મ પસંદ કરી છે તે આલિયાની નથી. નાના મહેશ રાહાને પૂજા ભટ્ટની ફિલ્મ બતાવશે. ચહેરા પર મોટા સ્મિત સાથે તેમણે કહ્યું હતું કે – હું રાહા જ્યારે 16 વર્ષની થાય ત્યારે તેને ‘દિલ હૈ કી માનતા નહીં’ ફિલ્મ બતાવવા માંગુ છું. આ સૌથી સુંદર ફિલ્મોમાંથી એક છે, જેમાં પૂજા દુનિયાથી સાવ અલગ જ દેખાતી હતી. આમિરે ખરેખર સારો અભિનય કર્યો હતો. આ એક એવી ફિલ્મ છે જે આજે પણ લોકોના દિલ સાથે જોડાયેલી છે. મને લાગે છે કે હું રાહા માટે આ ફિલ્મને જ સૌથી પહેલા પસંદ કરીશ. હમ હૈ રાહી પ્યાર કે જેવી આઇકોનિક ફિલ્મ પણ છે, પણ ‘દિલ હૈ કી માનતા નહીં’ ફિલ્મમાં અલગ જ પ્રકારની લવ સ્ટોરી છે.
આ પણ વાંચો : બોલો! જે કામ આલિયા ના કરી શકી તે તેની દીકરીએ કરી બતાવ્યું….
1991માં આવેલી આ ફિલ્મમાં આમિર ખાન મહેશ ભટ્ટની મોટી દીકરી પૂજા ભટ્ટ સાથે મુખ્ય ભૂમિકામાં હતો. ફિલ્મના ગીતો આજે પણ સિનેમાપ્રેમીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે.
મહેશ ભટ્ટે આલિયાની દીકરી રાહાના આગમન પછી તેમના જીવનમાં આવેલા ફેરફારો વિશે વાત કરી હતી. મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે રાહાના આગમન બાદ દુનિયાને જોવાનો તેમનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. ‘મારી દીકરી આલિયા અદભૂત છે. હવે તેનામાં માતૃત્વનું બીજું એક નવું પરિમાણ ઉમેરાયું છે. આલિયા માત્ર એક અદ્ભુત અભિનેત્રી જ નથી, પણ એક મહાન માતા પણ છે. જોકે,હવે હું મારી દીકરી કરતા રાહાને વધુ પ્રેમ કરવા માંડ્યો છું. બાળકોમાં એટલી શક્તિ હોય છે કે તેઓ તમને સંપૂર્ણપણે પોતાની તરફ ખેંચે છે.’
વર્ક ફ્રન્ટ પર, મહેશ ભટ્ટની ‘બ્લડી ઇશ્ક’ ટૂંક સમયમાં રિલીઝ થશે. તે મહેશ ભટ્ટ દ્વારા લખવામાં આવી છે અને વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મમાં અવિકા ગોર, વર્ધન પુરી અને જેનિફર પિકિનાટો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 26 જુલાઈથી ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.