મહારાષ્ટ્ર વિધાનસભાએ જ્યોતિરાવ ફૂલે-સાવિત્રીબાઈને ભારત રત્ન આપવાની ભલામણ કરતો ઠરાવ પસાર કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાએ સોમવારે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો જેમાં કેન્દ્ર સરકારને સમાજ સુધારકો મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોત્તર દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાની ભલામણ કરવામાં આવી હતી.
રાજ્યના પ્રધાન જયકુમાર રાવલે આ ઠરાવ રજૂ કર્યો હતો, જ્યારે એનસીપીના વિધાનસભ્ય છગન ભુજબળ અને કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે તેને સમર્થન આપ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લોકોએ ફૂલેને આપવામાં આવેલી મહાત્માની પદવીને માન્યતા આપી છે અને ભારત રત્ન રાજ્યની માન્યતા છે.
આપણ વાંચો: ઔરંગઝેબના વખાણ કરવા મોંઘા પડ્યા! અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા…
‘મહાત્મા પદવી દેશમાં દરેક વસ્તુથી ઉપર હતી અને તેનો આનંદ ફક્ત બે લોકો માણતા હતા – મહાત્મા ફૂલે અને મહાત્મા ગાંધી,’ એમ તેમણે કહ્યું હતું. સભા દ્વારા ઠરાવ પસાર થવા પર ખુશી વ્યક્ત કરતા, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે, પ્રતિષ્ઠિત સમાજ સુધારકોને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવાથી જનભાવનાનું સન્માન થશે.
તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આનાથી એવોર્ડની પ્રતિષ્ઠામાં વધારો થશે. આ ઠરાવ પ્રગતિશીલ અને સુધારાવાદી મહારાષ્ટ્રની પ્રતિષ્ઠામાં વધારો કરે છે, એમ પવારે ઠરાવને સર્વાનુમતે પસાર કરવા બદલ વિધાનસભ્યોનો આભાર માનતા કહ્યું હતું.
આપણ વાંચો: શિવસેના (યુબીટી) મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષીનેતાપદ પર દાવો માંડશે: સંજય રાઉત
મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ પુણેમાં ક્ધયાઓ માટે પ્રથમ શાળાની સ્થાપના કરી હતી, જેનાથી મહિલાઓ માટે શિક્ષણના દરવાજા ખુલ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
‘આજે, મહિલાઓ કૃષિ, શિક્ષણ, જ્ઞાન, વિજ્ઞાન, સંશોધન, અવકાશ, રાજકારણ અને સમાજ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં જવાબદાર હોદ્દા પર છે, જે રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે. આ પરિવર્તનનું શ્રેય સંપૂર્ણપણે તેમના દૂરંદેશી અભિગમ અને અથાક પ્રયાસોને જાય છે,’ એમ પવારે કહ્યું હતું.
‘વંચિત, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને બહુજન સમુદાયો સુધી શિક્ષણ પહોંચાડવામાં તેમનું કાર્ય અસાધારણ અને અજોડ છે. તેથી, ખેડૂતો, મજૂરો અને તમામ નાગરિકો દ્વારા તેમને હંમેશા ‘મહાત્મા’ તરીકે ગણવામાં આવશે,’ એમ એનસીપીના વડાએ કહ્યું હતું.