વરૂણ ધવનની ભાવના જોવાને બદલે યુઝર્સે તેને આ કારણે કર્યો ટ્રોલ

મુંબઈ: શારદીય નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે. ગઈકાલે મહાઅષ્ટમીનો દિવસ હતો. જ્યારે આજે નવમું નોરતું છે. જોકે, મહાઅષ્ટમીની તિથિનું ઘણું મહત્ત્વ હોય છે. તેથી આ દિવસે લોકો પોતાના ઘરે મા દુર્ગાની પૂજા કરવાની સાથોસાથ દાન-ધર્મનું કાર્ય પણ કરતા હોય છે. બોલિવૂડની હસ્તીઓ પણ આ દિવસે દુર્ગાપૂજામાં ભાગ લેતી હોય છે. અભિનેતા વરુણ ધવને મહાઅષ્ટમીના દિવસે પોતાના ઘરે બાળકોને જમાડ્યા હતા. પરંતુ બાળકોને જમાડવાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને યુઝર્સે વરુણ ધવન પર અનેક સારી-નરસી કોમેન્ટ કરી હતી.
બાળકીઓની થાળી જુદી છે? યુઝર્સ ભડક્યા
મહાઅષ્ટમીના દિવસે અભિનેતા વરુણ ધવને પોતાના ઘરે શાળામાં ભણતા છ બાળકીઓને પોતાના ઘરે જમવા બોલાવ્યા હતા. વરુણ ધવને બાળકીઓને હલવો, શાક, ખીર અને પૂરી એક થાળીમાં પીરસ્યા હતા. “દુર્ગાષ્ટમીની શુભકામનાઓ”ના કેપ્શન હેઠળ તેણે બાળકો સાથેનો ફોટો તથા પોતાની જમવાની થાળીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ ફોટો જોઈને યુઝર્સે વરુણ ધવન દ્વારા કરવામાં આવેલી પૂજામાં ખામીઓ શોધી કાઢી હતી.
આ પણ વાંચો: વરૂણ ધવનની દીકરી લારા ઘણી ક્યુટ છે, તેનો ચહેરો….
એક યુઝર્સે વરુણ ધવનની પોસ્ટમાં કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે, “સર, તમે પોતે સ્ટીલની થાળીમાં જમી રહ્યા છો અને બાળકીઓને પ્લાસ્ટિકની થાળીમાં જમાડી રહ્યા છો. આ તદ્દન ખોટું છે.” બીજા યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “બાળકીઓની થાળી જુદી છે??? પેપરની થાળી…આ તો ખોટી વાત છે.” આ સિવાય અન્ય એક યુઝરે વરુણ ધવનની થાળીનું પણ અવલોકન કર્યું હતું. યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે, “તમારા ઘરમાં પણ, અમારા ઘરની જેમ ફાટેલા વાસણોનો ઉપયોગ થાય છે.” અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, “સર, આટલા બધા પૈસા કમાઈને ક્યાં રાખો છો, તે આવી તૂટેલી થાળીમાં જમવું પડે છે.”
ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરને દશેરાના દિવસે વરુણ ધવનની ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. જેમાં તેની સાથે જાન્હવી કપૂર, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ પણ જોવા મળશે.