IFFI 2023માં બોલીવૂડની ધક-ધક ગર્લનું થયું સન્માન | મુંબઈ સમાચાર

IFFI 2023માં બોલીવૂડની ધક-ધક ગર્લનું થયું સન્માન

પણજીઃ ગોવામાં આજથી 54મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) શરૂ થઈ ગયો છે. આ ખાસ અવસર પર શાહિદ કપૂર અને માધુરી દીક્ષિત ખાસ મહેમાન તરીકે જોડાયા છે. બોલિવૂડ દિવા માધુરી દીક્ષિતને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ભારતીય સિનેમામાં યોગદાન માટે વિશેષ માન્યતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે પણ સ્ટેજ પર માધુરી દીક્ષિતની પ્રતિભાની પ્રશંસા કરી હતી.

54માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના મંચ પર જાહેરાત કરતા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે માધુરી દીક્ષિતને તેના શાનદાર કામ અને સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન માટે વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. માધુરી દીક્ષિતનું વિશેષ સન્માન કરતી વખતે તેમણે અભિનેત્રીની બોલિવૂડ સફર પણ શેર કરી હતી. અનુરાગ ઠાકુરે ભારતીય સિનેમામાં યોગદાન બદલ માધુરી દીક્ષિતને ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં વિશેષ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.


આ પ્રસંગે અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું હતું કે, ‘માધુરી 4 દાયકાથી પોતાની પ્રતિભાથી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે, ‘નિશા’થી લઈને ‘ચંદ્રમુખી’ સુધી, અભિનેત્રીની વર્સેટિલિટીની કોઈ સીમા નથી. અમે અભિનેત્રીને ભારતીય સિનેમામાં તેના મહત્વપૂર્ણ યોગદાન માટે વિશેષ સન્માન પુરસ્કાર આપીને ખુશ છીએ.આ માધુરીની બોલિવૂડ સફરની ઉજવણી છે. IFFI-2023માં હોલીવુડ એક્ટર-પ્રોડ્યુસર માઈકલ ડગ્લાસને સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવશે.


54મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની સેરેમની 20થી 28 નવેમ્બર સુધી યોજાઇ છે. આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં પ્રથમ દિવસે પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, સલમાન ખાન, અનુપમ ખેર, આયુષ્માન ખુરાના સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ વખતે 54મા IFFIમાં 250 ફિલ્મો પ્રદર્શિત થવા જઈ રહી છે. તેમજ સ્ટાર્સને એવોર્ડ આપવામાં આવશે. આ વખતે OTT એવોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.

Back to top button