સલમાન ખાનને મારવા ગાર્ડ સાથે મિત્રતા કરી હતી…’, ધરપકડ કરાયેલ બિશ્નોઈ ગેંગના શૂટર સુખાનો ખુલાસો
મુંબઇઃ એનસીપી (અજિત પવાર જૂથ) ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યા કેસની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી છે. પોલીસ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા શૂટરોની શોધમાં લાગી છે. દરમિયાન મુંબઈ પોલીસે તાજેતરમાં જ હરિયાણાના પાણીપતમાંથી સુખાની ધરપકડ કરી હતી. લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના કહેવા પર સુખાએ 2022માં મુંબઈમાં સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસની રેકી કરાવી હતી. તે સલમાન ખાન પર હુમલો કરવાનો હતો, પરંતુ તે પ્લાન નિષ્ફળ ગયો હતો. તેની ધરપકડ બાદ હવે ઘણા ખુલાસાઓ થઇ રહ્યા છે.
બિશ્નોઇ ગેંગના શૂટર સુખાએ રેકી કરવા માટે સલમાન ખાનના ગાર્ડ સાથે મિત્રતા કરી હતી. મુંબઈ પોલીસે જુન 2024માં સલમાન ખાનને નવી મુંબઈમાં તેના ફાર્મ હાઉસ તરફ જતી વખતે નિશાન બનાવવામાં આવ્યો હોવાનો પણ દાવો કર્યો હતો. જો કે શૂટરોની આ યોજના નિષ્ફળ રહી હતી. આ ષડયંત્ર પહેલા એપ્રિલમાં બાંદ્રામાં સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો.
આ ઘટનાને કારણે સલમાન ખાનની સુરક્ષાને લઇને સવાલો ઉઠવા લાગ્યા હતા. એ જ સમયે સલમાન ખાને મુંબઇ પોલીસને આપેલા નિવેદનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર જ શંકા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ હુમલો તેને અને તેના પરિવારને મારવાના ઇરાદાથી કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Salman Khan ને ફરી મળી ધમકી, લોરેન્સ બિશ્નોઈ સાથે સમાધાન માટે 5 કરોડની માંગણી
સુખાની તાજેતરમાં જ હરિયાણાના પાણીપતથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસને તેની ધરપકડ માટે ટીપ મળી હતી. મુંબઈ પોલીસે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે વાત કરી સુખાને હની ટ્રેપમાં ફસાવી તેની ધરપકડ કરી હતી. મુંબઇ પોલીસ અને હરિયાણા પોલીસનું આ સંયુક્ત ઑપરેશન હતું.
મુંબઈ પોલીસે જ્યારે સુખાની ધરપકડ કરી ત્યારે તે નશામાં હતો અને તેનું નામ બરાબર ઉચ્ચારી શકતો ન હતો. આ ઉપરાંત તેણે પોતાની ઓળખ છુપાવવા માટે દાઢી પણ વધારી દીધી હતી.
પોલીસની પૂછપરછમાં સુખાએ જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈનું નેટવર્ક ઘણા રાજ્યમાં ફેલા્યેલું છે. એપ્રિલમાં તેણે જ ગેંગના અન્ય શૂટર પાસે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરાવ્યું હતું. સુખાએ શૂટરોને પિસ્તોલ આપી હતી. આ ગોળીબાર બાદ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે તેઓ બિશ્નોઈ ગેંગને નેસ્તોનાબુદ કરી દેશે. આમ છતાં બિશ્નોઈ ગેંગને આજ સુધી કંઈ થયું નથી અને તે સલમાન ખાનને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યો છે.