મનોરંજન

રોહિત શેટ્ટીના નિવાસસ્થાન પર ગોળીબાર: ટાઈમ રહતે લાઈન પે આ જાઓ વરના…

ગોળીબાર પછી બિશ્ર્નોઈ ગૅન્ગની ધમકી

મુંબઈ: ફિલ્મમેકર રોહિત શેટ્ટીના નિવાસસ્થાન પર ગોળીબારની ઘટના પછી સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને બિશ્ર્નોઈ ગૅન્ગ દ્વારા બોલીવૂડને ધમકી આપવામાં આવી હતી કે ‘ટાઈમ રહતે લાઈન પે આ જાઓ, વરના છિપને કે લિયે જગહ કમ પડ જાએગી તુમ્હે.’

શેટ્ટીના ઘર પર ગોળીબારની ઘટના પછી શુભમ લોણકર આરઝૂ બિશ્ર્નોઈ નામના ફેસબુક એકાઉન્ટ પરથી બોલીવૂડ માટે ધમકીભર્યો મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ગોળીબારની જવાબદારી વિશ્ર્નોઈ ગૅન્ગે સ્વીકારી હોવાનો ઉલ્લેખ હતો. શુભમ લોણકરને મુંબઈ પોલીસ બાબા સિદ્દીકી હત્યા કેસમાં શોધી રહી છે. બાન્દ્રામાં ગોળીબાર કરી એનસીપીના વિધાનસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કરવાના કેસમાં પુણેનો શુભમ લોણકર ફરાર છે.

ધમકી ભર્યા મેસેજની શરૂઆત રામ રામ જય બજરંગ બલીથી કરવામાં આવી હતી. આગળ લખવામાં આવ્યું હતું કે આજે ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘર પર જે ગોળીબાર થયો છે તેની જવાબદારી શુભમ લોણકર, આરઝૂ બિશ્ર્નોઈ, હરી બૉક્સર અને હરમન શંધુ સ્વીકારે છે.

ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અમે ઘણી વાર તેને મેસેજ મોકલાવ્યા કે અમારા કામમાં માથું ન મારે, પણ તે સમજતો નથી. એટલે આ નાનું ટ્રેલર બતાવ્યું છે. તેમ છતાં તો તેને અમારી વાત સમજમાં નહીં આવે તો ઘરની અંદર બેડરૂમમાં ગોળી ચલાવવામાં આવશે… તેની છાતી પર.

મેસેજમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે પૂરા બોલીવૂડને અમારી ચેતવણી છે કે સમયસર સુધરી જાઓ, નહીં તો બહુ બૂરા હાલ થશે. બાબા સિદ્દીકી કરતાં પણ બૂરી વલે થશે તમારી. અમે જે લોકોને ફોન કર્યા છે એ લોકો સમયસર લાઈન પર આવી જાઓ, નહીંતર છુપાવા માટે જગા ઓછી પડશે તમને અને જેટલા પણ અમારા દુશ્મન છે તેમની સાથે ટૂંક સમયમાં જ મુલાકાત થશે.

પોસ્ટમાં અંતમાં લખવામાં આવ્યું હતું કે થોભો અને રાહ જુઓ… છેલ્લે ખાસ નોંધ મૂકવામાં આવી હતી કે એક જ હતો… એક જ છે અને એક જ રહેશે લૉરેન્સ બિશ્ર્નોઈ ગ્રૂપ. જોકે આ ધમકીભર્યો મેસેજ ગણતરીની મિનિટમાં જ ડિલિટ કરી નાખવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભૂતકાળની ઘટનાઓનું વિશ્ર્લેષણ કરીએ તો આ બિશ્ર્નોઈ ગૅન્ગની મોડસ ઑપરેન્ડી છે. આ ટોળકી દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવે છે અને પછી તરત તેને ડિલિટ કરવામાં આવે છે. પછી આ મેસેજનો સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. આનાથી પોલીસ પોસ્ટનો યુઆરએલ શોધી શકતી નથી અને પોસ્ટ ક્યાંથી કરવામાં આવી હતી તેનું લૉકેશન ટ્રેસ કરી શકતી નથી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button