ઓસ્કારની રેસમાંથી બહાર 'લાપતા લેડીઝ' જાપાનમાં ચમકીઃ ઈન્ટરનેશનલ ફિલ્મોને આપી માત | મુંબઈ સમાચાર

ઓસ્કારની રેસમાંથી બહાર ‘લાપતા લેડીઝ’ જાપાનમાં ચમકીઃ ઈન્ટરનેશનલ ફિલ્મોને આપી માત

મુંબઈઃ કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ ભારતમાં માર્ચ ૨૦૨૪માં OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ ૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ જાપાનમાં રિલીઝ થઈ હતી, જેણે જાપાનમાં ઈતિહાસ રચ્યો છે.

આ ફિલ્મ જાપાનના થિયેટરોમાં ૧૧૫ દિવસથી વધુ સમયથી ચાલી રહી છે અને તેને જાપાન એકેડેમી ફિલ્મ એવોર્ડ્સમાં નામાંકન મળ્યું છે. કિરણ રાવની ફિલ્મે પાંચ સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. કિરણ રાવની ફિલ્મે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મો માટે શોર્ટલિસ્ટ કરાયેલી ૨૦૪ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

આમિર ખાન પ્રોડક્શનની ‘લાપતા લેડીઝ’ ની સ્પર્ધા ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહાઇમર’, યોર્ગોસ લેન્થિમોસની ‘પુઅર થિંગ્સ’, એલેક્સ ગારલેન્ડની ‘સિવિલ વોર’ અને જોનાથન ગ્લેઝરની ‘ધ ઝોન ઑફ ઇન્ટરેસ્ટ’ સાથે છે. બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મની જાહેરાત ૧૪ માર્ચે કરવામાં આવશે.

આ પણ વાંચો : Netflix-Prime Videoને ટક્કર આપવા ભારત સરકાર સજ્જ, લોન્ચ કરી ‘Waves’

‘લાપતા લેડીઝ’ વિશે માહિતી
જિયો સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘લાપતા લેડીઝ’, આમિર ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે અને કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મ બિપ્લબ ગોસ્વામીની પુરસ્કાર વિજેતા વાર્તા પર આધારિત છે. સ્નેહા દેસાઈએ સ્ક્રિપ્ટ અને ડાયલોગ્સ લખ્યા છે.

આ ફિલ્મમાં છાયા કદમ અને રવિ કિશન સાથે નિતાંશી ગોયલ, પ્રતિભા રાંટા અને સ્પર્શ શ્રીવાસ્તવે અભિનય કર્યો છે. રૂ. ૪-૫ કરોડના બજેટમાં બનેલી, આ ફિલ્મે ભારતમાં કુલ રૂ. ૨૪.૩૧ કરોડનું કલેક્શન કર્યું હતું, જયારે વિશ્વભરમાંથી રૂ. ૨૭.૦૬ કરોડની કમાણી કરી હતી.

કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ ઓસ્કાર ૨૦૨૫ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી હતી. જોકે, આ ફિલ્મ અંતિમ નોમિનેશનમાં સ્થાન મેળવી શકી નહોતી. તે ટોપ ૧૫ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી.

સંબંધિત લેખો

Back to top button