મનોરંજન

સુપરહિટ ‘લાલો’નો બેકાબૂ ક્રેઝ: રાજકોટના મોલમાં સર્જાઈ અફરાતફરી, બાળકીનો જીવ જોખમમાં!

રાજકોટ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઇતિહાસ સર્જનારી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે આવી પહોંચતા જ ચાહકોનીની ભીડ બેકાબુ બનતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોલમાં સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

આ ઘટનામાં મોલની ઇલેક્ટ્રિક સીડીના પગથિયે એક બાળકી પટકાઈ હતી. જો કે, બે વ્યક્તિએ બાળકીનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો પણ બહાર આવ્યો હતો. આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતા મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વધુ કોઇ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈ કલાકારોએ ક્રિટલ મોલથી ચાલતી પકડી હતી.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ‘લાલો’ ફિલ્મના લોકપ્રિય કલાકારો રાજકોટના મહેમાન બન્યા હતા. પોતાના મનપસંદ કલાકારોની એક ઝલક મેળવવા માટે કાલાવડ રોડ સ્થિત ક્રિસ્ટલ મોલમાં હજારોની સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ઓવર ક્રાઉડના કારણે ધક્કામુક્કી અને અફરાતફરી મચી જવા પામી હતી.

આખરે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ફિલ્મના કલાકારોને તાત્કાલિક સ્થળ પરથી સુરક્ષિત રવાના કરવાની ફરજ પડી હતી. બીજી તરફ આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ક્રિસ્ટલ મોલ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં સ્થાનિક પોલીસ અને પ્રાઈવેટ બાઉન્સરોએ ભારે જહેમતે ભીડને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો.

આ ભારે અફરાતફરીમાં સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી ઈજાના થઈ ન હતી. જોકે, સુપરહિટ ફિલ્મના ક્રેઝને કારણે સર્જાયેલી આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button