Happy Friendship Day : આજે જે મહાન ગાયકનો જન્મદિવસ છે તેમણે દોસ્તી માટે આપ્યા છે યાદગાર ગીતો

આજે ઑગસ્ટ મહિનાનો પહેલો રવિવાર. આજે Friendship Day ઉજવાય છે. આમ તો બધા દિવસ મિત્રતાને ઉજવવાના જ હોય, પણ આજે ખાસ મૈત્રીને માણવાનો દિવસ છે. પણ આ સાથે આજે બીજો પણ એક ખાસ દિવસ છે. હિન્દી ફિલ્મજગતના સૌથી વર્સ્ટાઈલ સિંગર કિશોર કુમારનો આજે જન્મદિવસ. જોગાનુજોગ એવો છે કે બોલીનૂડના ઘણા સુપરહીટ ગીતો જે દોસ્તી પર લખાયા છે, તેમાંથી મોટાભાગના કિશોર કુમારે ગાયા છે અને આજે પણ તે લોકોના હોઠો પર રમે છે.

કિશોર કુમાર એક એવા ગાયક હતા જેમણે ક્યારેય સંગીતની તાલીમ ન હતી લીધી, પરંતુ તેઓ દરેક પ્રકારના ગીત બખૂબી ગાઈ શકતા. ગાયક સાથે તેઓ સંગીતકાર અને સારા અભિનેતા પણ ખરા. હિન્દી ફિલ્મજગતમાં બેજોડ કહી શકાય એવા કિશોર કુમારને તેમના જન્મદિવસે તેમના દોસ્તી-ગીતો દ્વારા યાદ કરીએ… Happy Birthday Kishor Kumar…

દિયે જલતે હૈ, ફૂલ ખિલતે હૈ…
આ ગીત વર્ષ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ નમક હરામનું છે. આ ગીત અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના પર ફિલ્માવવામાં આવ્યું છે. ગીતના શબ્દો છે, ‘दिए जलते हैं फूल खिलते हैं, बड़ी मुश्किल से मगर दुनिया में दोस्त मिलते हैं…’

યે દોસ્તી હમ નહીં તોડેંગે…
આ ગીત 1975માં આવેલી ફિલ્મ શોલેનું છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકામાં છે. આ ગીત કિશોર કુમાર અને મન્ના ડેએ ગાયુ છે. . તેનું સંગીત આરડી બર્મને આપ્યું હતું અને ગીતો આનંદ બક્ષીના હતા. આજે પણ આ ગીત મિત્રતા પરના ગીતોની બાબતમાં ટોચ પર છે. આ ફિલ્મ જેટલી આઈકોનિક સાબિત થઈ તેટલું આ ગીત પણ. દોસ્તી પરના ગીતની વાત આવે તો પહેલું આ ગીત સૌને યાદ આવે છે.

બને ચાહે દુશ્મન જમાના હમારા
1980માં આવેલી ફિલ્મ દોસ્તાનાનું આ ગીત કિશોર કુમાર અને મોહમ્મદ રફીએ ગાયું હતું. આ ફિલ્મના ગીતો આનંદ બક્ષીએ લખ્યા છે. તેનું સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલે આપ્યું હતું. રિયલ લાઈફના મિત્રો અમિતાભ બચ્ચન અને શત્રુધ્ન સિન્હા પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું. ફિલ્મની જેમ બન્નેની મિત્રતામાં એકવાર તિરાડ પડી હતી, મીડિયા અહેવાલો પ્રમાણે હજુ પૂર્ણપણે પુરાઈ નથી.

કુરબાની…કુરબાની…કુરબાની…
1980મા આવેલી ફિલ્મ કુરબાનીનું આ સદાબહાર ગીત છે, જે કિશોર કુમારે ગાયું છે. વિનોદ ખન્ના, ફિરોઝ ખાન પર ફિલ્માવાયેલા આ ગીતના શબ્દો પણ ખૂબ જ સરસ છે.
हो तुझपे क़ुरबाँ मेरी जान , मेरा दिल मेरा ईमान
यारी मेरी कहती है, यार पे कर दे सब क़ुर्बान
क़ुर्बानी क़ुर्बानी क़ुर्बानी, अल्लाह को प्यारी है क़ुर्बानी

તેરે જૈસા યાર કહા…
દોસ્તી પર બનેલા તમામ ગીતોની યાદી બને તો આ ગીત ચોક્કસ પહેલું આવે તેટલું સુંદર ગીત 1980ની યારાના ફિલ્મનું છે. ફિલ્મ અમિતાભ બચ્ચન અને અમજદ ખાનની દોસ્તી પર જ છે અને ખૂબ જ ભાવુક કરી દે તેવી આ ફિલ્મનું ગીત કિશોર કુમારે ગાયું છે. અમિતાભે એટલી જ નજાકતથી તેને પર્ફોમ કર્યું છે.