અમદાવાદમનોરંજન

કિંજલ દવે એક શો માટે લે છે 10 લાખની ફી, લક્ઝુરીયસ કારોની માલિક, કેટલી છે સંપત્તિ ?

અમદાવાદઃ ચાર ચાર બંગડી ગીત ગાઈને ગુજરાત સહિત દેશ-વિદેશમાં જાણીતી થયેલી સિંગર કિંજલ દવે હાલ ચર્ચામાં છે. આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ અને તેના પરિવારનો પરગણા બ્રહ્મ સમાજ દ્વારા બહિષ્કાર કરાયા બાદ અનેક લોકો તેના સમર્થનમાં આવ્યા છે. મળતી વિગત પ્રમાણે કિંજલ દવે એક શો માટે 10 લાખની ફી લે છે. ઉપરાંત તેની પાસે ઘણી લકઝુરીયસ કાર પણ છે તે 15 થી 20 કરોડની માલિક છે.

કિંજલ દવેની કેટલી છે નેટવર્થ

કિંજલ દવે અનેક સ્ત્રોતમાંથી કમાણી કરે છે. એક રિપોર્ટ પ્રમાણે, તેની મુખ્ય આવક લાઈવ સ્ટેજ શો, મ્યુઝિક આલ્બમ્સ, યુ ટ્યુબ અને બ્રાંડ પ્રમોશનમાંથી આવે છે. તે ગુજરાત, દેશ-વિદેશમાં લગ્ન પ્રસંગો, નવરાત્રી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરફોર્મન્સ આપે છે. રિપોર્ટ મુજબ, કિંજલ દરેક પરફોર્મન્સ માટે રૂપિયા 5 થી 10 લાખ ફી લે છે.

એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2025 સુધીમાં કિંજલ દવેની કુલ સંપત્તિ આશરે રૂપિયા 15 થી 20 કરોડ હોવાનો અંદાજ છે. અમદાવાદમાં તેમનું આશરે રૂ. 3 કરોડનું લકઝરી ઘર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કિંજલે મિલકતોમાં પણ રોકાણ કર્યું છે તેમજ તેની પાસે કારનું પણ સારું કલેકશન છે. જેમાં ટોયોટા ફોર્ચ્યુનર અને ઓડી Q7 જેવી પ્રીમિયમ એસયુવી સામેલ છે.

કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર, 1999ના રોજ બનાસકાંઠામાં થયો હતો. એક મધ્યમ વર્ગીય પરિવારમાં તેનો ઉછેર થયો હતો. કિંજલે નાની ઉંમરથી જ ગાવનું શરૂ કર્યું હતું. ચાર ચાર બંગડીવાળી ગીત સુપરહિટ થયા બાદ તેણે પાછું વળીને જોયું નથી. આ પછી તેણે ‘લેરી લાલા’, ‘છોટે રાજા’ અને ‘બબ્બે રે બબ્બે’ જેવા અનેક લોકપ્રિય ગીતો આપ્યા. આ ગીતોને યુટ્યુબ પર લાખો વ્યુઝ મળ્યા અને તેમના ચાહકોની સંખ્યામાં મોટો વધારો થયો. 2020 સુધીમાં, તેઓ આધુનિક ગુજરાતી લોક સંગીતનો સૌથી જાણીતો ચહેરો બની ગયા હતા.

શું છે સમગ્ર મામલો ?

ગુજરાતી સિંગર કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી હતી. આ બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોઈ અને આંતરજ્ઞાતિય છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. કાંકરેજના શિહોરી ખાતે સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી હતી.

ઔદિચ્ય બ્રહ્મ સમાજના આ નિર્ણય બાદ કિંજલ દવેએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. તેણે કહ્યું જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆતમાં પ્રેમ અને આશીર્વાદ આપનારા દરેકનો હું આભાર માનું છું. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે હું અત્યાર સુધી મૌન હતી. પણ હવે વાત જ્યારે મારા પરિવાર અને ખાસ કરીને મારા પિતા સુધી પહોંચી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન થતું નથી અને તેથી આજે મારે બોલવું પડ્યું છે.

તેણે કહ્યું કે, એક બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે અને હું અહીંયા સુધી પહોંચી છું તેમાં શિક્ષિત અને સમજદાર બ્રહ્મ શક્તિઓ (બ્રહ્મ સમાજના લોકો)નો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું તો નસીબદાર છું કે મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. કિંજલ દવેએ સવાલ ઉઠાવ્યો કે, “જ્યારે દીકરીઓ તેજસ જેવા પ્લેન ઉડાડી રહી છે, સંસદમાં છે અને દેશને ગૌરવ અપાવી રહી છે, ત્યારે શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક નથી?

Disclaimer: કિંજલ દવેની શોની ફી, કાર અને સંપત્તિ અંગે આપવામાં આવેલી માહિતી વિવિધ રિપોર્ટ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો…કિંજલ દવેના કુટુંબને ન્યાત બહાર મૂકવાના વિવાદ વચ્ચે કિંજલના ફિયાન્સ ધ્રુવીને શું મૂકી પોસ્ટ ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button