ખતરોં કે ખિલાડી-15: બે વર્ષ બાદ રોહિત શેટ્ટીની ધમાકેદાર વાપસી, પહેલા પ્રોમોએ જ ઉડાવ્યા હોશ!

મુંબઈ: રિયાલિટી શોની દુનિયામાં જો કોઈ શો માટે લોકોમાં સૌથી વધુ ક્રેઝ હોય, તો તે છે ‘ખતરો કે ખિલાડી’. ટેલિવિઝન ઇતિહાસના સૌથી સફળ શોમાંના એક એવા આ શોમાં મનોરંજન જગતના સિતારાઓ પોતાના ડરનો સામનો કરતા અને ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે. છેલ્લે 2024માં જોવા મળેલો આ શો એક વર્ષના વિરામ બાદ ફરીથી ટીવી સ્ક્રિન પર કમબેક કરી રહ્યો છે. જે રીતે અટકળો હતી કે આ શો હવે કદાચ જોવા નહીં મળે, તે તમામ વાતો પર મેકર્સે હવે પૂર્ણવિરામ મૂકી દીધું છે.
લગભગ બે વર્ષના લાંબા સમય બાદ ‘ખતરો કે ખિલાડી’ ની 15મી સીઝનનું એલાન કરવામાં આવ્યું છે. આ વખતે મેકર્સે એક અનોખો પ્રયોગ કરતા પ્રોમોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કર્યો છે. AI દ્વારા નિર્મિત આ પ્રોમોમાં એક યુવતીને ટ્રક આગળ બાંધેલી જોવા મળે છે. પ્રોમોમાં જોવા મળે છે યુવતી સાથે ટ્રેક ખીણમાં ખાબકી જાય છે. જોકે, હજુ સુધી શોની ચોક્કસ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, જેને કારણે ચાહકોમાં ઉત્તેજના અને સસ્પેન્સ વધી ગયું છે.
આ શોને અગાઉ અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને અર્જુન કપૂર જેવા દિગ્ગજોએ હોસ્ટ કર્યો છે, પરંતુ પ્રેક્ષકોના ફેવરિટ હંમેશા રોહિત શેટ્ટી જ રહ્યા છે. રોહિત શેટ્ટી અત્યાર સુધીની 14 સીઝનમાંથી 9 સીઝન હોસ્ટ કરી ચૂક્યા છે અને હવે તેઓ 10મી વખત કમાન્ડ સંભાળવા માટે તૈયાર છે. નોંધનીય છે કે, રોહિત શેટ્ટી માટે છેલ્લા કેટલાક દિવસો અંગત રીતે તણાવભર્યા રહ્યા હતા, કારણ કે તેમના જુહુ સ્થિત નિવાસસ્થાને ફાયરિંગની ઘટના બની હતી, છતાં તેઓ પ્રોફેશનલ કમિટમેન્ટ સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે.
નવી સીઝનની જાહેરાત સાથે જ સોશિયલ મીડિયા પર સ્પર્ધકોના નામોની ચર્ચા તેજ થઈ ગઈ છે. ચાહકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આ વખતે ‘બિગ બોસ 19’ ના લોકપ્રિય ચહેરાઓ જેવા કે બસીર અલી, અભિષેક બજાજ, ફરહાના ભટ્ટ અને પ્રણિત મોરે આ સાહસિક સફરનો હિસ્સો બને. જોકે, સત્તાવાર રીતે કયા સેલેબ્સ જોખમો સાથે ટકરાશે તે જાણવા માટે હજુ થોડી રાહ જોવી પડશે. આ નવી સીઝન ટેકનોલોજી અને હિંમતનો એક અદભૂત સંગમ સાબિત થશે તે નક્કી છે.



