કર્ણાટકમાં સિનેમા ટિકિટ માટે 200 રૂપિયાની મર્યાદા નક્કી થઈ, બીજા રાજ્યો કોની રાહ જોઈ રહ્યા છે? | મુંબઈ સમાચાર
મનોરંજન

કર્ણાટકમાં સિનેમા ટિકિટ માટે 200 રૂપિયાની મર્યાદા નક્કી થઈ, બીજા રાજ્યો કોની રાહ જોઈ રહ્યા છે?

બેંગલુરૂ, કર્ણાટકઃ ભારતના લોકોમાં ફિલ્મો જોવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. ભારતમાં દર વર્ષે હિંદી, તેલુગુ, ગુજરાતી, તમિલ, મલયાલમ, કન્નડ, મરાઠી અને બંગાળી ભાષાની આશરે 1,600 થી 2,000 ફિલ્મો બને છે. મતલબ કે રોજની 4 ફિલ્મો રિલીઝ થાય એટલી ફિલ્મો બને છે. આ ફિલ્મોમાં અનેક ફિલ્મો કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, થિયેટરમાં રિલીઝ થયા બાદ ફિલ્મની માંગ પ્રમાણે તેને ટિકિટના દર નક્કી થતાં હોય છે. ટિકિટના દર એટલા વધારે હોય છે કે, ઘણી વખત સામાન્ય લોકો થિયેટરમાં ફિલ્મ જોવા માટે જવાનું ટાળતા હોય છે. એટલું જ નહીં પરંતુ સિનેમાઘરોમાં ખાણી-પીણીની વસ્તુઓના ભાવ પણ બજાર ભાવ કરતા ચારથી પાંચ ગણા વધારે હોય છે.

એક બાજુ ટિકિટના ભાવ પણ આસમાને અને પછી તેમાં જો બાળકોને સાથે લઈ ગયાં હોઈએ તો ખાણી-પીણીનો ખર્ચો પણ વધી જતો હોય છે. તેવામાં સામાન્ય લોકો ફિલ્મો જોવાનું મોટાભાગે ટાળતા હોય છે. જેના કારણે ફિલ્મ ઉદ્યોગને પણ મોટું નુકસાન થતું હોય છે. જોકે, કર્ણાટક સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ખૂબ જ પ્રશંસનીય છે. કર્ણાટક સરકાર દ્વારા દરેક સિનેમાઘરોમાં ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરી દેવામાં આવ્યો છે. આવો નિર્ણય અન્ય રાજ્યોએ પણ લેવો જોઈએ. જેથી સામાન્ય લોકો સુધી મનોરંજન પહોંચી શકે અને ફિલ્મ ઉદ્યોગને પણ કમાણી થઈ શકે.

સિનેમા ટિકિટની મહત્તમ કિંમત નક્કી કરવામાં આવી

કર્ણાટક સરકારે કર્ણાટક સિનેમા નિયમ 2014 માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હેઠળ મનોરંજન કર સહિત સિનેમા ટિકિટની મહત્તમ કિંમત પ્રતિ શો 200 રૂપિયા નક્કી કરવામાં આવશે. આ કિંમત મર્યાદા રાજ્યના તમામ ભાષાઓના સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને ફિલ્મો પર લાગુ થશે. કર્ણાટક સિનેમા નિયમ, 2025 હેઠળ ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશન 15 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને પ્રકાશનની તારીખથી 15 દિવસ માટે જાહેર પ્રતિસાદ માટે ખુલ્લું છે.

મુખ્ય પ્રધાને સ્પષ્ટપણે ટિકિટની મર્યાદા 200 રૂપિયા જણાવી

છેલ્લા ઘણાં સમયથી ટિકિટના ભાવને નિયંત્રણમાં લાવવા માટે વિચારણા ચાલી રહી હતી. હવે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ 2025-26 ના બજેટમાં આ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને સ્પષ્ટપણે 200 રૂપિયાની ટિકિટ મર્યાદા જણાવી હતી. આવું પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારે ટિકિટના ભાવ પર નજર નાખી હોય. 2017-18ના બજેટમાં પણ સમાન ટિકિટ દરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 11મી મે, 2018ના રોજ સરકારે આ અંગે આદેશ પણ જારી કર્યો હતો. પરંતુ પછી કોર્ટના સ્ટે બાદ તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

મેગા સ્ટાર ફિલ્મોમાં ટિકિટના ભાવ આસમાને હોય છે

જો રે, ટિકિટના દરની મહત્તમ મર્યાદા 200 રૂપિયા કરી દેવામાં આવી છે, જેથી હવે ફિલ્મ મેકર્સને વધારે નફાની આશા છોડી દેવી પડશે. કારણે કે, મેગા સ્ટાર ફિલ્મોમાં જ્યારે સિનેમાઘરોમાં રિલીઝ થયા છે ત્યારે ટિકિટના દર 600થી 800 સુધી રહેતા હોય છે. જો કે, મુખ્ય પ્રધાનનો આ નિયમ લોકો માટે ખૂબ જ ફાયદામંદ રહેવાનો છે. કારણે કે, હવે સિનેમા ઘરોમાં ટિકિટ માટે 200 રૂપિયાથી વધારે મોંઘી ટિકિટ નહીં હોય.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button