યુનિસેફ ઇન્ડિયાની નેશનલ એમ્બેસેડર બની આ જાણીતી બોલિવૂડ અભિનેત્રી, બાળ અધિકાર, લિંગ સમાનતા જેવા મુદ્દાઓ પર કામ કરશે

જાણીતી બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનને યુનિસેફ ઈન્ડિયાની નેશનલ એમ્બેસેડર બનાવવામાં આવી છે. યુનિસેફે કહ્યું કે કરીના કપૂર 2014થી સંસ્થા સાથે જોડાયેલી છે. તે બાળકોના અધિકારો, આરોગ્ય, શિક્ષણ અને લિંગ સમાનતા જેવા મુદ્દાઓ પર અમારું સમર્થન કરશે. કરીના યુનિસેફ ઇન્ડિયા માટે સેલિબ્રિટી એડવોકેટ પણ રહી ચૂકી છે.
સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપતાં કરીના કપૂરે કહ્યું હતું કે આજનો દિવસ તેના માટે ખૂબ જ ભાવનાત્મક દિવસ છે. હું 10 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલી છું. આ દસ વર્ષમાં મેં બાળકોના અધિકારો માટે કામ કર્યું છે. હું ભવિષ્યમાં પણ આ સંસ્થા સાથે સંપૂર્ણ નિષ્ઠા સાથે જોડાયેલી રહીશ. અમે અત્યાર સુધી જે કામ કર્યું છે તેના પર મને ખૂબ ગર્વ છે.
કરીના કપૂરે વધુમાં કહ્યું, ‘ભારતના દરેક ખૂણે દરેક બાળક, તે જ્યાં પણ હોય, ગમે તે હોય, મારા માટે સમાન છે. જ્યારે હું બાળક વિશે વાત કરું છું, ત્યારે તેનું લિંગ શું છે તે જોવાનું મહત્વનું નથી. હું એ સુનિશ્ચિત કરવા માટે કામ કરીશ કે દરેક બાળકને, પછી તે સક્ષમ હોય કે વિકલાંગ, તેના અધિકારો મળે. હું દરેક બાળકનો અવાજ બની રહેવાનો સંકલ્પ કરું છું.