‘હું પોતે શરમાઇ ગયો…’ધર્મેન્દ્ર-શબાના આઝમીના કિસીંગ સીન પર આવી હતી કરણ જોહરની પ્રતિક્રિયા
એનર્જેટિક અભિનતા રણવીર સિંહ અને બબલી અભિનેત્રી આલિયા ભટ્ટની રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. કરણ જોહરના ટિપિકલ ફોરેન લોકેશન્સ અને અમીર મા-બાપના છોરા-છોરીઓ કરતા આ કંઇક અલગ અને હટકે ફિલ્મ હતી. ફિલ્મમાં રણવીર-આલિયાની કેમિસ્ટ્રી પણ લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મમાં પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અને દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી વચ્ચે ફિલ્માવવામાં આવેલો કિસીંગ સીન પણ ટૉક ઑફ ધ ટાઉન બની ગયો હતો. હાલમાં જ આ ફિલ્મના નિર્દેશક કરણ જોહર એક ટૉક શોમાં પહોંચ્યા હતા અને તેમને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્ર અને શબાનાના કિસિંગ સીન વિશે વાત કરી હતી.
આ ટૉક શોમાં કરણ જોહરે તેની ફિલ્મો વિશે ઘણી રસપ્રદ વાતો કરી હતી. તેણે તેની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ વિશે પણ કેટલાક ખુલાસા કર્યા હતા. કરણ ધર્મેન્દ્ર પાસે શબાના આઝમી સાથેના કિસીંગ સીનની વાત કરવા ગયો હતો. આ સિકવન્સમાં ધર્મેન્દ્રએ ‘અભી ના જાઓ છોડ કે’ ગાવાનું હતું. ત્યાર પછી તેમણે કિસીંગ સીન સમજાવવાનો હતો, જે કહેતા કરણને શરમ આવતી હતી. પણ ધર્મેન્દ્રએ કરણને જણાવ્યું હતું કે તેઓ અભિનેતા છે, જેણે નિર્દેશકે જે કહે તે કરવાનું જ હોય તેથી તેમને આવો કિસીંગ સીન આપવામાં કોઇ વાંધો નથી. ત્યાર બાદ ધર્મેન્દ્ર અને શબાના આઝમીએ આ કિસીંગ સીન પણ આપ્યો હતો અને લોકોને બે વડીલો વચ્ચે ફિલ્માવવામાં આવેલી રોમેન્ટિક ક્ષણો પણ ઘણી પસંદ આવી હતી.
ધર્મેન્દ્ર પાજી માને છે કે રોમાન્સ માટે કોઈ ઉંમર હોતી નથી. ઉંમર માત્ર એક આંકડો છે અને બે વ્યક્તિ ગમે તેટલી ઉંમરના હોય તેઓ કિસ કરીને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી જ શકે છે.
નોંધનીય છે કે કરણ જોહર હાલમાં શરૂ થયેલા ઝાકિર ખાનના શો ‘આપકા અપના ઝાકિર’ શોમાં ગેસ્ટ તરીકે આવ્યો હતો અને ત્યાં તેણે તેમની ફિલ્મ વિશે ઘણી વાતો કરી હતી.