કપિલ શર્માના Cap’s Cafe પર ત્રીજી વખત થયો ગોળીબાર: જુઓ હુમલાનો લાઇવ વીડિયો | મુંબઈ સમાચાર
મનોરંજન

કપિલ શર્માના Cap’s Cafe પર ત્રીજી વખત થયો ગોળીબાર: જુઓ હુમલાનો લાઇવ વીડિયો

“ગોળીઓ ગમે ત્યાંથી આવી શકે છે.” હુમલાખોરોની ધમકી

ટોરન્ટો/સરેઃ અભિનેતા અને હાસ્ય કલાકાર કપિલ શર્માની મુશ્કેલીઓ વધી છે. કેનેડાના સરેમાં સ્થિત તેમના ‘કેપ્સ કાફે’ને ત્રીજી વખત નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઘટનાનો એક લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગોળીબાર કરનાર વ્યક્તિ કારમાં બેસીને પિસ્તોલથી સતત ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતો જોવા મળે છે.

હુમલાનો લાઈવ વીડિયો સામે આવ્યો

જુલાઈ મહિનામાં કેનેડા ખાતે કપીલ શર્માનું ‘કેપ્સ કાફે’ શરૂ થયું હતું. આ કેફે શરૂ થયાના એક જ અઠવાડિયામાં એટલે કે 10 જુલાઈ, 2025ના રોજ કાફેની બહાર ગોળીબાર થયો હતો. ત્યારબાદ 7 ઓગસ્ટ, 2025ના રોજ પણ ફરીથી આ કેફેને હુમલાખોરોએ તેને ગોળીબારનું શિકાર બનાવ્યું હતું. ત્યારે હવે બે મહિના બાદ ફરી એક વાર કપીલ શર્માના ‘કેપ્સ કાફે’ ખાતે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

ગોળીઓ ગમે ત્યાંથી આવી શકે છે

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક હુમલાખોર કારમાં બેસીને ‘કેપ્સ કાફે’ પર ફાયરિંગ કરી રહ્યો છે. જેનાથી ‘કેપ્સ કાફે’ના કાચ તૂટીને નીચે પડી રહ્યા છે. ‘કેપ્સ કાફે’ પર થયેલા આ ત્રીજા હુમલાની ગોલ્ડી ધિલ્લોન અને કુલવીર સિદ્ધુ નેપાળીએ જવાબદારી લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે, “હું, કુલવીર સિદ્ધુ અને ગોલ્ડી ધિલ્લોન આજે (કેપ્સ કાફે, સરે) થયેલા ત્રણ રાઉન્ડ ફાયરિંગની જવાબદારી સ્વીકારું છું. સામાન્ય લોકો સાથે અમારી કોઈ દુશ્મની નથી. જેમની સાથે અમારો સંઘર્ષ છે તેઓએ અમારાથી દૂર રહેવું જોઈએ.”

આ પણ વાંચો: કૉમેડિયન કપિલ શર્માને એક કરોડની ખંડણી માટે ધમકી આપનારો પકડાયો

આ પોસ્ટમાં આગળ ધમકીભર્યા શબ્દોમાં જણાવવામાં આવ્યું કે, જે લોકો ગેરકાયદેસર કામ કરે છે, લોકોને તેમના કામ માટે પૈસા ચૂકવતા નથી, અને બોલિવૂડમાં જે કોઈ ધર્મ વિરુદ્ધ બોલે છે, તેમણે તૈયાર રહેવું જોઈએ. કારણ કે “ગોળીઓ ગમે ત્યાંથી આવી શકે છે.”

ઉલ્લેખનીય છે કે, ‘કેપ્સ કાફે’ પર થયેલા પહેલા હુમલાની જવાબદારી હરજીત સિંહ લાડ્ડી (BKI આતંકવાદી)એ લીધી હતી. જ્યારે બીજા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. જોકે એકેય હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ હુમલાઓ બાદ કપિલ શર્માને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. જેને લઈને મુંબઈ પોલીસે તેની સુરક્ષા વધારી દીધી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button