કાંતારા: અ લિજેન્ડ- ચેપ્ટર 1 ઓસ્કર જીતશે? બેસ્ટ ફીચર ફિલ્મની યાદીમાં મળ્યું સ્થાન

મુંબઈ: કોઈપણ ફિલ્મ માટે ઓસ્કરમાં જવું અને આ એવોર્ડ મેળવવો એ એક મહત્ત્વની વાત છે. દર વર્ષે બોલીવુડની ઘણી ફિલ્મો ઓસ્કરમાં પોતાની એન્ટ્રી નોંધાવે છે. આ વર્ષે 98માં એકેડમી એવોર્ડની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના માટે વિશ્વના વિવિધ દેશોમાંથી ઓસ્કર માટે ફિલ્મોની એન્ટ્રી મોકલવામાં આવી છે, જેમાં બોલીવૂડમાં બોક્સઓફિસ પર હીટ રહેલી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.
બેસ્ટ ફીચર ફિલ્મની યાદીમાં ભારતની ફિલ્મ
98માં એકેડમી એવોર્ડ માટે ઓસ્કરની 201 ફીચર ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતની બે જાણીતી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મોમાં ઋષભ શેટ્ટીની ‘કાંતારા: અ લિજેન્ડ- ચેપ્ટર 1’ અને અનુપમ ખેરની ‘તન્વી ધ ગ્રેટ’નો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મોએ વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરવા માટે એક સ્ટ્રેટેજિક રીત અપનાવી છે. ભારતની ઓફિશિયલ એન્ટ્રી ન હોવા છતાં, જનરલ કેટેગરીમાં આ બંને ભારતીય ફિલ્મોએ ઓસ્કરમાં સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો : કાંતારા ચેપ્ટર 1ની બોક્સ ઓફિસ પર ઘૂમ, સાઉથની સુપર હિટ ફિલ્મોને પણ છોડી પાછળ…
કર્ણાટકની લોકકથાઓ પર આધારિત ‘કાંતાર: અ લિજેન્ડ- ચેપ્ટર 1’ 2025ની બ્લોકબસ્ટર ફિલ્મ પૈકીની એક રહી છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર વર્લ્ડવાઈડ 850 કરોડની કમાણી કરી હતી. આ સાથે ‘કાંતાર: અ લિજેન્ડ- ચેપ્ટર 1’ ફિલ્મ 2025ની બીજી સૌથી મોટી ફિલ્મ બની હતી. ભારતમાં ધૂમ મચાવનારી આ ફિલ્મ હવે વૈશ્વિકસ્તરે પોતાનો ડંકો વગાડી શકે છે. આ ફિલ્મને ઓસ્કરમાં મોકલવી જોઈએ, એવું ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું હતું.
ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પણ મોકલી ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, ‘કાંતારા: અ લિજેન્ડ- ચેપ્ટર 1’ અને અનુપમ ખેરની ‘તન્વી ધ ગ્રેટ’ સિવાય ‘ટુરિસ્ટ ફેમિલી’, ‘મહાવતાર નરસિમ્હા’ અને ‘સિસ્ટર મિડનાઈટ’નો પણ ઓસ્કરની એન્ટ્રીની યાદીમાં સમાવેશ થાય છે. તાજેતરમાં ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ઓસ્કરની ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર’ની કેટેગરીમાં ભારત તરફથી ‘હોમબાઉન્ડ’ ફિલ્મ મોકલી હતી. જોકે, આ વર્ષે વિશ્વભરમાંથી એકેડમી મેંમ્બર્સની વિચારણા માટે 317 ફિલ્મો ફાઇનલ કરવામાં આવી હતી. જે પૈકીની 201 ફિલ્મો બેસ્ટ ફિચર માટે એલિજિબલ થઈ છે.



