
નવી દિલ્હીઃ અભિનેત્રી કંગના રનૌતે અભિનય ક્ષેત્રે તો પોતાની પ્રતિભા સાબિત કરી જ દીધી છે અને હવે તે રાજકારણમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરવા જઇ રહી છે. તાજેતરમાં જ એમ જાણવા મળ્યું હતું કે કંગના હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશે. દેશની રાજનીતિ પર ખુલ્લેઆમ વિચારો વ્યક્ત કરતી કંગના રનૌતનું રાજકારણમાં ઝંપલાવવું એ કંઇ સરપ્રાઇઝ નથી. અગાઉ પણ અનેક વાર આ અંગે સંકેતો આપી ચૂકી છે. જોકે, કંગનાની મંડીથી ભાજપની સીટ પર ઉમેદવારી કરવાની જાહેરાત બાદ તેનું એક જૂનું ટ્વીટ વાયરલ થવા માંડ્યું છે. તે સમયે કંગનાએ એક યુઝરને જવાબ આપતા આ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં કંગનાએ લખ્યું હતું કે અગર તેને મોકો મળે તો તે હિમાચલ પ્રદેશને બદલે અન્ય કોઇ રાજ્યમાંથી ચૂંટણી લડશે. હિમાચલ પ્રદેશની વસતી માત્ર 60થી 70 લાખ છે અને અહીં કોઇ અપરાધ થતા નથી. અહીં ગરીબી નથી. તેથી તે હિમાચલને બદલે અન્ય કોઇ રાજ્યમાંથી ચૂંટણી લડવાનું વિચારશે.
‘2019માં મને ગ્વાલિયરથી ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી હતી. હું અગર રાજકારણમાં આવું તો મારે કોઇ એવું રાજ્ય જોઇએ જ્યાં લોકોને કોઇ સમસ્યા હોય. હું તેમની સમસ્યાનું સમાધાન કરીને રાજકારણમાં પણ ક્વિન બની શકું છું, પણ તમે એ વાત નહીં સમજી શકો.’ મંડીથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ કંગનાની આ જૂની ટ્વિટ ઝડપથી વાયરલ થવા માંડી હતી. એક યુઝરે લખ્યું હતું કે રાજકારણીઓ અને અભિનેતાઓ વિશે આ વાત જાણી લો. તેઓ હંમેશા જે બોલે એનાથી ઉલ્ટું જ કરતા હોય છે. જોકે, એક યુઝરે કંગનાનો પક્ષ લેતા લખ્યું હતું કે, ‘આટલી બધી નફરત શા માટે? જો તે રાજકારણમાં આવવા માગે છે, તો તે તેની પસંદ છે. ‘ કંગનાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે, તે ભાજપમાં જોડાઇને સન્માનિત અને ઉત્સાહિત અનુભવે છે. તે કોઇ પણ શરત વિના ભાજપનું સમર્થન કરશે. તે એક વિશ્વાસપાત્ર અને સક્ષમ કાર્યકર્તા બનવાનો પ્રયત્ન કરશે.
ALSO READ: રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત પર કડક પગલાં ભરવા કરી માંગ, કંગના પર કથિત અભદ્ર ટિપ્પણીનો મામલો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના હવે ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ 14 જૂને દેશભરના સિનેમાઘરોમાં રજૂઆત પામશે.