
થિયેટરોમા એક જ દિવસે બે મોટી ફિલ્મો રીલિઝ થવાની હોય ત્યારે દર્શકો કોને પસંદ કરશે અને કોને નહીં તેની ચિંતા ફિલ્મો સાથે જોડાયેલા સૌને હોય છે. ઘણીવાર બને છે કે એક મોટી ફિલ્મની ડેટ સાથે બીજાની ડેટ ક્લેશ થતી હોય તો નિર્માતા પોતાની રીલિઝ ડેટ આગળપાછળ કરી નાખતા હોય છે, પણ બોલીવૂડના બે ડેશિંગ-બોડી બિલ્ડર હીરો એવા છે જેમને એકબીજા સાથે ટકરાવાની કદાચ મજા આવતી હશે. તેઓ અગાઉ પાંચ વાર ટકરાઈ ચૂક્યા છે અને હવે છઠ્ઠીવાર ટકરાવા જઈ રહ્યા છે. વાત છે હેન્ડમ હંક જૉન ઈબ્રાહીમ Jhon Ibrahim અને ખેલાડી કુમાર અક્ષય Akshay Kumarની. અક્ષયે હમણા જ પોતાની નવી ફિલ્મ સરફીરા Sirfira ની તારીખ 12 જુલાઈ જાહેર કરી ત્યારે જૉનની એક્શન ફિલ્મ વેદા Veda પણ આ જ દિવસે રીલિઝ થવાની છે.
20 વર્ષ પહેલા 2004માં અક્ષયની ફિલ્મ ખાકી અને જ્હોનની ઐતબાર સિનેમાઘરોમાં એક સાથે રિલીઝ થઈ હતી. આ બન્નેમાં બીગ બી પણ હતા. ખાકીએ થોડી કમાણી કરી હતી પણ ઐતબાર પર લોકોએ ઐતબાર કર્યો ન હતો. ત્યાર બાદ ફરી 2005 માં બંન્ને સ્ટાર્સ બીજી વખત સિનેમાઘરોમાં સામસામે હતા. આ વખતે ફિલ્મ ઇન્સાનમાં અક્ષય ફરીથી તેની ખાકી કો-સ્ટાર અજય દેવગન સાથે હતો. અને જ્હોન ઐતબાર ડિરેક્ટર વિક્રમ ભટ્ટની ફિલ્મ એલાનમાં જોવા મળ્યો હતો. જોકે બન્ને ફિલ્મ ફ્લોપ ગઈ હતી.
અક્ષય અને જ્હોનની ફિલ્મો ત્રણ વર્ષમાં ત્રીજી વખત ટકરાઈ. 2006માં અક્ષયની ફેમિલી અને જ્હોનની ઝિંદા એકસાથે રિલીઝ થઈ હતી. અમિતાભ અક્ષય સાથે હતા અને સંજય દત્ત જ્હોનની સાથે હતા. પરંતુ બંને ફિલ્મો સિનેમાઘરોમાં દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી.
ચોથી ક્લેશ પહેલા બંને સ્ટાર્સે ગરમ મસાલા, દેશી બોયઝ અને હાઉસફુલ 2માં સાથે કામ કર્યું હતું. 2018 માં જ્યારે અક્ષયની ગોલ્ડ અને જ્હોનની સત્યમેવ જયતે ટકરાઈ હતી. આ સમયે બન્ને વચ્ચે મતભેદના સમાચાર પણ બહાર આવ્યા હતા. જોકે ફિલ્મો બન્ને સારી ચાલી હતી.
અક્ષય અને જ્હોનની છેલ્લી ટક્કર 2019 માં 15મી ઑગસ્ટે થઈ હતી. અક્ષયની મિશન મંગલ અને જ્હોનની બાટલા હાઉસ એકસાથે સિનેમાઘરોમાં પહોંચી હતી. આ વખતે પણ બંને ફિલ્મોને ખૂબ દર્શકો મળ્યા. મિશન મંગલ માત્ર સુપરહિટ જ નહીં, બાટલા હાઉસ પણ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ.
હવે ફરી તેઓ 12મી જુલાઈએ ટકરાશે ત્યારે જોઈએ કિસમે કિતના હૈ દમ.