કોણ છે કશીશ મિત્તલ? જેણે IASની નોકરી છોડી સંગીત અને AIની દુનિયામાં ધૂમ મચાવી.

ભારતમાં UPSC પરીક્ષા પાસ કરવી એ કોઈ સ્વપ્ન પૂરું થવા જેવું છે, પરંતુ આ સફળતા હાંસલ કર્યા બાદ તેને છોડી દેવું એ આશ્ચર્યજનક છે. કશીશ મિત્તલની વાત એવી જ અનોખી છે, જેમણે IASની નોકરી છોડીને સંગીત અને ટેકનોલોજીની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું. તેની આ સફર એ દર્શાવે છે કે સાચા જુનૂનને અનુસરવાથી જીવનમાં નવી દિશા મળી શકે છે.
IASથી સંગીતકારની સફર
કશીશ મિત્તલે IIT દિલ્હીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં બી.ટેકનો અભ્યાસ કર્યો છે, આ ઉપરાંત JEEમાં ઓલ ઇન્ડિયા 6ઠ્ઠો રેન્ક મેળવ્યો અને માત્ર 21 વર્ષની ઉંમરે IAS બન્યો. પરંતુ તેનું સપનું સંગીત હતું. 2019માં, નવ વર્ષની વહીવટી સેવા બાદ, તેમણે IASની નોકરી છોડી દીધી. તેનો નિર્ણય નક્કર હતો, કારણ કે તેનું સાચું સ્વપ્ન શાસ્ત્રીય સંગીતની દુનિયામાં હતું, જે તેણે બાળપણથી જ જોયું હતું.
બાળપણથી સંગીત પ્રત્યે પ્રેમ
1989માં જલંધરમાં જન્મેલા કશીશના ઘરમાં સંગીત અને શિસ્તનું વાતાવરણ પહેલાથી હતું. તેના પિતા IPS અધિકારી હતા, જ્યારે માતા સંગીતાએ તેને સંગીત તરફ વળવા માટે પ્રેરણા આપી હતી. આઠ વર્ષની ઉંમરે તેણે શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી અને 11 વર્ષની ઉંમરે હરિવલ્લભ સંગીત સમ્મેલન જેવા મોટા મંચ પર પરફોર્મન્સ પણ આપ્યું હતું. આગ્રા ઘરાનાની પરંપરામાં ઉસ્તાદ પંડિત યશપાલ પાસેથી તાલીમ લીધી. આજે તે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના A ગ્રેડ કલાકાર છે.
કશીશે ચંદીગઢમાં એડિશનલ ડેપ્યુટી કમિશનર, તવાંગ (અરુણાચલ પ્રદેશ)માં ડીસી અને નીતિ આયોગમાં ઉચ્ચ હોદ્દા પર કામ કર્યું. IAS છોડ્યા બાદ તેણે માઇક્રોસોફ્ટમાં પ્રિન્સિપલ રિસર્ચ પ્રોગ્રામ મેનેજર તરીકે પાંચ વર્ષ કામ કર્યું. માર્ચ 2025માં તેમણે દિશા AI નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જે AI અને સામાજિક અસરને જોડે છે. આ વચ્ચે હાલ તેનો નુસરત ફતેહ અલી ખાનના ગીત ‘ઉનકે અંદાજ-એ-કરમ’નો વીડિયો વાયરલ થયો, જેને 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યા.
કશીશની કલા અને યોગદાનને પંજાબ રાજ્ય પુરસ્કાર, નાદ શ્રી સન્માન, IIT દિલ્હીનો સરસ્વતી સન્માન અને NTSE, CCRT ફેલોશિપ જેવા રાષ્ટ્રીય એવોર્ડ્સ મળ્યા છે. સોશિયલ મીડિયા પર તેને પોતાની ગાયકીથી લોકોના દિલ જીત્યા છે. તેની સફર એ દર્શાવે છે કે જુનૂનને અનુસરવાથી જીવનમાં સાચી ખુશી મળે છે.
આપણ વાંચો: છૂટાછેડા પછી પણ સુષ્મિતા સેનનો ભાઈ પત્ની સાથે રહે છે, અભિનેત્રીએ કર્યો ખુલાસો!