નાગપુરમાં ‘ઝુંડ’ ફિલ્મના અભિનેતાની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા: મિત્રની ધરપકડ | મુંબઈ સમાચાર
મનોરંજન

નાગપુરમાં ‘ઝુંડ’ ફિલ્મના અભિનેતાની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા: મિત્રની ધરપકડ

નાગપુર: હિન્દી ફિલ્મ ‘ઝુંડ’માં ‘બાબુ છેત્રી’ના પાત્ર માટે પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રિયાંશુ ઉર્ફે બાબુ રવિસિંહ છેત્રીની નાગપુરમાં દારૂ પીતી વખતે થયેલા ઝઘડા બાદ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બુધવારે વહેલી સવારે આ ઘટના બની હતી અને પોલીસે આરોપી ધ્રુવ લાલબહાદુર સાહુ (20)ની ધરપકડ કરી હતી.
21 વર્ષના અભિનેતા પ્રિયાંશુએ 2022માં રિલીઝ થયેલી બિગ બી અમિતાભ બચ્ચન અભિનિત અને નાગરાજ મંજુળે દિગ્દર્શિત બાયોલોજિકલ સ્પોર્ટ્સ ફિલ્મમાં તેની ભૂમિકા માટે પ્રશંસા મેળવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રિયાંશુ છેત્રી અને આરોપી સાહુ નજીકના મિત્ર હતા અને તેઓ ઘણીવાર સાથે દારૂ પીતા હતા.

મંગળવારે મોડી રાતે સાહુની મોટરસાઇકલ પર બંને જણ દારૂ પીવા માટે જરીપટકા વિસ્તારમાં એક બંધ ઘરમાં ગયા હતા. બુધવારે વહેલી સવારે પ્રિયાંશુ ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો.

આ પણ વાંચો: માથે દેવુ અને નોકરી ગુમાવવાને કારણે યુવકે કરી આત્મહત્યા

દારૂ પીતી વખતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને સૂતા પહેલા પ્રિયાંશુએ દારૂના નશામાં સાહુને ધમકી આપી હતી, એવો આરોપ છે.

સાહુએ વાયરથી પ્રિયાંશુને બાંધી દીધો હતો અને બાદમાં તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

વહેલી સવારે ત્રણ વાગ્યે સ્થાનિકોએ પ્રિયાંશુને ઘાયલ અને અર્ધનગ્ન અવસ્થામાં જોયો હતો. તેેને વાયરથી બાંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: નાશિકમાં ચોવીસ કલાકમાં બે વૃદ્ધા સહિત ત્રણની હત્યા

દરમિયાન સ્થાનિકોએ આની જાણ પોલીસને કરતાં અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પ્રિયાંશુને બાદમાં નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

નાગપુરના લુંબિની નગર વિસ્તારમાં પ્રિયાંશુ રહેતો હતો. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને સાહુની ધરપકડ કરી હતી. પ્રિયાંશુ અને સાહુ ગુનાહિત રેકોર્ડ ધરાવતા હતા અને તેમની સામે ચોરી અને હુમલાના કેસ ચાલી રહ્યા હતા.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button