ફરી પાપારાઝીને નારાઝ કર્યા જયા બચ્ચને
મુંબઈઃ ખૂબ સારી અદાકારા જયા બચ્ચન તેમનાં ફોટોગ્રાફર સાથેના વ્યવહારને લીધે વારંવાર ચર્ચામાં આવે છે. અગાઉ પણ તેઓ ફોટોગ્રાફર જેઓ પાપારાઝીના નામે ઓળખાય છે તેમની સાથે ગેરવર્તણૂક કરતાં પણ જોવા મળ્યા છે. ફરી તેમનો આ એટીટ્યૂડ જોવા મળ્યો હતો. પ્રસંગ હતો બોલીવૂડમાં ટૉક ઓફ ધ ટાઉન બનેલું આયરા-નૂપુરનું રિસેપ્શન. આ રિસેપ્શનમાં ઈન્ડસ્ટ્રીમાંથી કોણ નહોતું આવ્યું તે વિચારવું વધારે સરળ રહેશે. સિતારાઓનો જમાવડો અહીં જોવા મળ્યો હતો ત્યારે જયા બચ્ચન પણ દીકરી શ્વેતા નંદા સાથે જોવા મળ્યા હતાં. જોકે પાપારાઝીને પોઝ દેતા સમયે ફરી તણખા ઝર્યા હતા.
પોઝ દેતા સમયે તેમની સાથે અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ હતી. પહેલા તો પાપારાઝીઓએ ન્યૂ યર વીશ કર્યું. પછી તેમણે અમુક એંગલથી પોઝ આપવા કહ્યું જે મિસિસ બચ્ચનને ન ગમ્યું. તેમણે વ્હુ આર યુ એમ કહી ત્યાંથી નીકળી જવાનું પસંદ કર્યું પણ તેમનો આ વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયો. બ્લુ ડ્રેસમાં સજજ જયા બચ્ચનનો આ એટીડ્યૂડ ઘણાને ગમ્યો નથી. એક યુઝરે લખ્યું છે તે (જયા બચ્ચન) કોણ છે. હું નથી ઓળખતી. આ રીતે યુઝર તેમનો અણગમો વ્યક્ત કરી રહ્યા છે.
જોકે ફિલ્મ ફોટોગ્રાફર્સને આની આદત હોય છે આથી તેઓ હસીને વાતને કાઢી નાખે છે.