કારકિર્દીની પચાસમી ફિલ્મ કરવા જઇ રહ્યો છે જવાનનો ‘કાલી’, અનુરાગ કશ્યપ સાથે લેશે ટક્કર
બોક્સ ઓફિસ પર ‘જવાન’ની ધડબડાટી યથાવત છે. જવાનમાં ‘કાલી’ની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા વિજય સેતુપતિ હવે નવો ધમાકો કરવાના છે. વિજય તેની ફિલ્મી કારકિર્દીની પચાસમી ફિલ્મ લઇને ટૂંક જ સમયમાં દર્શકો સામે હાજર થશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ પણ મહત્વના રોલમાં દેખાશે.
વિજયે સોશિયલ મીડિયા પર તેની કરિઅરના માઇલસ્ટોન સમી ફિલ્મ ‘મહારાજા’નું પોસ્ટર રિલીઝ કર્યું હતુ. આ ઉપરાંત ચેન્નઇમાં ફિલ્મના ફર્સ્ટ લુકને લોન્ચ કરવા એક ખાસ ઇવેન્ટ પણ યોજાઇ હતી. ફિલ્મને સાઉથના ડાયરેક્ટર નિતિલન ગોસ્વામીએ ડાયરેક્ટ કરી છે તેમજ વિજય સિવાય આ ફિલ્મમાં મમતા મોહનદાસ, નટ્ટી નટરાજ અને અનુરાગ કશ્યપ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.
ફિલ્મના લોન્ચિંગ ઇવેન્ટમાં વિજયે ઓડિયન્સને સંબોધન કરતા કહ્યું, “‘હું મારા ચાહકો અને મીડિયાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેમના પ્રેમ અને લાગણીઓને લીધે હું આ ઊંચાઈ પર પહોંચ્યો છું. ધીરજ અને અનુભવ વ્યક્તિને ઉંચા સ્તર પર લઈ જાય છે. 50મી ફિલ્મ ચોક્કસપણે મારી ફિલ્મી સફરમાં એક સીમાચિહ્નરૂપ છે. નટી સરને જોતી વખતે રજની સર જેવું જ આકર્ષણ અનુભવાય છે. મારે અનુરાગ સરના પ્રોડક્શનમાં અભિનય કરવો હતો. કેટલાક કારણોસર આ ન થઈ શક્યું. પરંતુ આ ફિલ્મ માટે તેમણે જે કામ કર્યું છે તે જોરદાર છે. તેમણે કહ્યું કે હું અને તેઓ બીજી ઘણી ફિલ્મોમાં સાથે કામ કરીશું.”
‘મહારાજા’ને દિગ્દર્શિત કરનારા નિતિલને કહ્યું, “આ વાર્તા કહેવા માટે મારી પર વિશ્વાસ મુકી સખત મહેનત કરનારી ટીમનો આભાર. મમતા મોહનદાસ અને અનુરાગ કશ્યપનો આભાર કે જેઓ ફિલ્મમાં અભિનય કરવા માટે રાજી થયાં, વિજય ફક્ત એક મહાન અભિનેતા જ નહિ, એક મહાન વ્યક્તિ પણ છે. આ ખૂબ જ સારી વાત છે કે એમણે મને તેમની પચાસમી ફિલ્મ માટે તક આપી.”