મનોરંજન

થિયેટરોમાં સુપરસ્ટારોની ફિલ્મો ફ્લોપ, પણ ઓટીટી પર જયદીપ અહલાવત સુપર હીટ

રામચરણ, કંગના રનૌત, અજય દેવગન જેવા સુપરસ્ટાર તો બીજી બાજુ સોનુ સૂદ જેવો ફેમ સ્ટાર અને તેમાં રાશા થડાની અને અમન દેવગન જેવા યંગસ્ટરમાં પ્રિય થયેલા ડેબ્યુટન્ટ, આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ભરમાર, રણબીર અને રીતિકની સુપરહીટ ફિલ્મોની રિ-રિલઝ, આ બધુ થિયેટરોને હાઉસફુલ કરવા કાફી નથી? તેમ છતાં થિયેટરોમાં શનિ-રવિમાં પણ 40 કે 50 ટકા જેટલી ઓક્યુપન્સી નથી અને હજુયે માત્ર પુષ્પા-2 ધ રૂલને એકસરખો 50 લાખ કરતા વધારેનો બિઝનેસ મળે છે બાકી રામચરણ-કિયારાની ગેમચેન્જર, કંગનાની ઈમરજન્સી કે અજય દેવગનની આઝાદના શૉમાં કાગડા ઊડે છે.

આવતીકાલે અક્ષય કુમાર અને વીર પહાડીયાની સ્કાય ફોર્સ રિલિઝ થશે અને તે કોઈ કરામત બતાવે છે કે નહીં તે જોવાનું, બાકી નવા વર્ષ 2025ના જાન્યુઆરી મહિનામાં રિલિઝ થયેલી ફિલ્મોએ દર્શકો અને બૉક્સ ઓફિસ બન્નેને નિરાશ કર્યા છે તેમ કહેવું ખોટું નહીં કહેવાય.

હવે આ બધા સુપરસ્ટાર્સ અને તેમની બિગ બજેટ ફિલ્મો અને માર્કેટિંગ પર એક અભિનેતા અને તેની વેબસિરિઝ ભારે પડી ગઈ છે અને તે છે પાતાળલોક-2. (Patal Lok-2 OTT Series)

પડછંદ બાંધો, ચહેરો આખો ખિલના ડાઘથી ભરેલો અને હેન્ડસમ નહીં પણ એવરેજ લૂક પણ ન કહી શકાય તેવા જયદીપ અહલાવતની આ સિરિઝે ઓટીટી પર ધૂમ મચાવી છે અને ખૂબ જ સારા રિવ્યુઝ મેળવી શકી છે.

પંકજ ત્રિપાઠીની મિર્ઝાપુર સહિતની ઘણી વેબસિરિઝની બીજી કે ત્રીજી સિઝને નિરાશ કર્યા છે અને તેથી પાતાળલોક-2 પાસેથી વિશેષ અપેક્ષાઓ લગભગ દર્શકો રાખી રહ્યા ન હતા. વળી, થિયેટરોમાં જવાનું નોર્મલ થતાં અને ગમે તે એલફેલ વિષય લઈને બનતી ઢંગલાબંધ વેબસિરિઝને લીધે ઓટીટી પરથી લોકોનું મન ઊઠી ગયું છે. તેવામાં પાતાળલોક-2 સિરિઝે ફરી લોકોને વેબ સિરિઝ તરફ વાળ્યા છે.

આપણ વાંચો: Paatal Lok-2: જાન્યુઆરીમાં ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવશે, વિશ્વાસ ના હોય તો જોઈ લો…

પહેલી વેબસિરિઝમાં જમુના પાર થાણેના પોલીસ અધિકારી તરીકે લોકપ્રિય હાથિરામ ચૌધરી બીજી સિરિઝમાં પણ તે જ પોસ્ટ પર છે. પોતાના જૂનિયર આગળ નીકળી ગયા છે, પરંતુ ચૌધરી આ વાતથી ખાસ કંઈ નારાજ નથી. ફિલ્મમાં ગયા વખતે દેખાયેલી દિલ્હીની બસતીની જગ્યા પૂર્વીય નાગાલેન્ડની કુદરતી વાદીઓએ લઈ લીધી છે અને ભાષાથી માંડી, પાત્રો તમામ અહીંના હોય એક નવો જ અનુભવ દર્શકોને મળે છે.

જોકે અહીંના પાત્રો દ્વારા થતો સ્થાનિક ભાષાનો વધારે પડતો ઉપયોગ અને સાથે અંગ્રેજીનો ઉપયોગ ક્યારેક ખટકે છે, પરંતુ સ્ટારકાસ્ટની પસંદગી અને તેમનું પર્ફોમન્સ તેને સરભર કરી દે છે.

બે પોલિટિકલ રાયવલ્સ અને તેની સાથે બે અલગ વિચારધારાના રાજકારણી પિતા-પુત્ર અને પરિવારોના તણાયેલા સંબંધોના બેકગ્રાઉન્ડ સાથે બનેલી આ સિરિઝ પરફેક્ટ ક્રાઈમ સ્ટોરી છે. એક એપિસૉડ એવો નથી જે તમને ઝટકો આપ્યા વિના રહે. સસ્પેન્સની ભરમાર છે અને છેલ્લા એપિસૉડ સુધી તમારી લાલસા સંતોષાતી નથી. એકસાથે ઘણા સબપ્લોટમાં આ સિરિઝ ચાલે છે અને દરેકને યોગ્ય ન્યાય મળ્યો હોય તેમ લાગે છે.

રોઝ લીઝો, રઘુ પાસવાન, ડેનિયલ, જૉનાથન થોમ, કેન આસપાસ ફરતી આ ક્રાઈમસ્ટોરીની તપાસ કરે છે હાથિરામ અને ઈમરાન અન્સારી, જે એક સમયે હાથિરામ ચૌધરી નીચે કામ કરતો હતો અને હવે તેનો બૉસ છે.

આ બન્ને સાથે નાગાલેન્ડમાં જોડાય છે મેઘના બરૂઆ. મુખ્ય સ્ટોરી સાથે રૂબેન થોમ, કપિલ રેડ્ડી અને નાગાલેન્ડ બિઝનેસ સમિટની થીમ. આ બધાની સ્ટોરી સતત ક્રાઈમ, પોલિટિક્સ, મર્ડર અને લોહીથી ખરડાયેલી અને તેમાં ગુડ્ડુ, રેણુ ચૌધરી, ઈસ્ટરનો ઈમોશનલ ટચ અને મંજૂનો હ્યુમર ટચ.

એક પિતાના કુકર્મોનો ભોગ બનેલી યુવતીને મદદ કરતા યુવાન રઘુ પાસવાનના ગાયબ થવાથી શરૂ થયેલી આ સ્ટોરી પિતા દ્વારા જ પોતાના પુત્રની હત્યાથી પૂરી થાય છે.

આપણ વાંચો: રૂહબાબા હવે તમારા મોબાઈલમાં બતાવશે ચમત્કારઃ ઓટીટી રિલિઝની જાહેરાત…

આ સિરિઝમાં એકપણ એવો કલાકર નથી જેણે દર્શકોને નિરાશ કર્યા છે. નાનકડો ગુડ્ડુ (રોકીબુલ હોસૈન) કે પછી રેણુ (ગુલ પનાગ) કે પ્રેગનન્ટ કોન્સેટબલ મંજુનો રોલ કરતી નીકિતા ગ્રોવર દરેક પોતાના રોલમાં પરફેક્ટ છે, પરંતુ આખી સિરિઝનો હીરો નહીં સુપરહીરો કોઈ હોય તો તે હાથિરામ ચૌધરી એટલે કે જયદીપ અહલાવત. પુણેની એફટીઆઈઆઈનો આ વિદ્યાર્થી એક સિનમાં પણ નબળો પડતો નથી. આ સિરિઝમાં ચૌધરીના હીમેન ચહેરા સાથે એક ઈમોશનલ ચહેરો પણ જોવા મળે છે.

પત્નીની અપેક્ષા ન પૂરી કરી શકતો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં ચાલતી માલપ્રેક્ટિસનો હિસ્સો ન બની શકતો, દીકરા પ્રત્યેના પ્રેમને વ્યક્ત ન કરી શકતો અને ખાસ કરીને પોતાના સ્ટુડન્ટ અને બૉસ ઈમરાન અન્સારીના મોતના બોજથી દુઃખી હાથિરામ તમારા હૃદયને ઘણીવાર સ્પર્શે છે અને અંદરથી જમઝોળી નાખે છે.

પોતાના સિનિયર એસએચઓ વીર્ક (અનુરાગ અરોરા) સાથેનો તેનો સિન છે, જેમાં તે હાથિરામને કહે છે કે બધાને ખબર છે કે સિસ્ટમ એક નાવ છે અને એમાં એક છેદ છે અને તું એ મૂર્ખાઓ (સરકારી અધિકારી)ઓમાંનો એક છે જે નાવને બચાવવાની કોશિશ કરે છે. તું મારા કરતા ઓફિસર સારો હતો, પણ મને ખબર હતી કે આ સિસ્ટમમાં હું તારાથી આગળ નીકળી જઈશ. આ એક સિનમાં જયદીપે માત્ર એક્સપ્રેશન આપવાના છે, પરંતુ તે પોતાનું આખેઆખુ જીવન અને વ્યક્તિત્વ માત્ર એક્સપ્રેશન્સથી જ દર્શકો સામે મૂકી દે છે.

આપણ વાંચો: ઓટીટી V/S થિયેટર શું ઓટીટી થિયેટરનો વિકલ્પ બની શકે?

હત્યારાનો પર્દાફાશ થયા પછી પોતે રઘુ પાસવાનના હક્કના પાંચ લાખ તેના દીકરાને ટ્રેનમાં આપવા જાય છે, આ સિન તમને સિરિઝ જોયાના કલાકો કે દિવસો સુધી નજર સામે આવે તેવો છે. સિરિઝમાં ક્યાંય ત્રીજી સિરિઝ લાવવાનો ઈરાદો મેકર્સનો હોય તેમ લાગતું નથી. હાથિરામ આ નોકરી છોડવાનું કહે છે, પણ છોડશે નહીં તે નક્કી છે અને ખબર નહીં ફરી પાછા ક્યારે કયા ગુનેગારની શોધમાં પાતાળલોક પહોંચી પણ જાય.

આથી જો સમય હોય અને કંઈક ક્રોંકિટ ક્રિએટિવિટી જોવાનું મન થાય તો આ સિરિઝ ચોક્કસ જોવા જેવી છે. તમારો રિવ્યુ અમને કૉમોન્ટ બોક્સમાં ચોક્કસ લખજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button