જેક્વેલિન ફર્નાન્ડિઝ દિલ્હી પોલીસના શરણે, સુકેશ ચંદ્રશેખર સામે પગલા લેવાની કરી માગ

Jacqueline Fernandez Files Complaint: બોલીવુડ બ્યુટી જેક્વેલિન ફર્નાન્ડિઝે તેના એક્સ બોયફ્રેન્ડ અને કરોડોની છેતરપિંડીના કેસમાં જેલની હવા ખાઇ રહેલા કોનમેન સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) સામે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને કોનમેન સામે પગલા લેવાની માગ કરી છે.
મીડિયા અહેવાલો મુજબ, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાને લખેલા પત્રમાં જેક્વેલિને જણાવ્યું છે કે સુકેશ ચંદ્રશેખર તેને જેલની અંદરથી હેરાન કરી રહ્યો છે અને ધાકધમકી આપી રહ્યો છે.
‘હું એક જવાબદાર નાગરિક છું. જે અજાણતામાં જ એવા કેસમાં ફસાઇ ગઇ છે કે જેમાં કાયદાનું શાસન અને ન્યાયપ્રણાલીની પવિત્રતા પર દૂરોગામી અસર પડે છે. સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલા એક કેસમાં ફરિયાદી પક્ષની સાક્ષી તરીકે હું તમને માનસિક દબાણ અને ધાકધમકીની કરૂણ અગ્નિપરીક્ષા વચ્ચે આ પત્ર લખી રહી છું. પોતાને સુકેશ નામથી ઓળખાવતા અને મંડોલી જેલની બહાર બેસેલા એક શખ્સ દ્વારા ખુલ્લેઆમ ધાકધમકી આપીને મને જુબાની આપતી રોકવાનો અને ડરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.’ તેવું દિલ્હી પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જેક્વેલિને જણાવ્યું છે.
આ પત્ર સાથે અભિનેત્રીએ દિલ્હી પોલીસને તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે અને જણાવ્યું છે કે તેની સલામતિ જોખમાઇ રહી છે અને કાયદાકીય પ્રક્રિયાઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળના કેસમાં ફરિયાદી પક્ષ તરફથી પોતે સાક્ષી છે, એવામાં તેને રક્ષણ મળે અને આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવે એવી તેણે અપીલ કરી હતી.