Jab We Met: પ્રેમીને પામવા ગયેલી ઈન્દોરની શ્રદ્ધાને રતલામમાં જ મળ્યો તેનો પરણેતર

ઈન્દોરઃ ફિલ્મો ચોક્કસ કલ્પનાઓ પરથી બનતી હોય છે અને આવી ઘણી રોમાન્ટિક વાર્તાઓ આપણે હિન્દી ફિલ્મોમાં જોઈ છે. શાહીદ કપૂર અને કરિના કપૂરની એવરગ્રીન ફિલ્મ જબ વી મેટ પણ આમાંની એક છે. આ ફિલ્મે રતલામ રેલવે સ્ટેશનને પણ ફેમસ કરી દીધું હતું, પણ આ ફિલ્મમાં જે બન્યું તે રિયલમાં બન્યું છે અને તે પણ રતલામ રેલવે સ્ટેશન પર જ.
શ્રદ્ધા તિવારી નામની એક યુવાન છોકરી સાર્થક નામના છોકરાના પ્રેમમાં પડી અને બન્નેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું. શ્રદ્ધા પ્લાન પ્રમાણે ઘરેથી ભાગી પણ ઈન્દોર રેલવે સ્ટેશન પર સાર્થક ન આવ્યો. સાર્થકે ફોન કરી છેલ્લી ઘડીએ શ્રદ્ધાને કહ્યું કે તે લગ્ન કરવા નથી માગતો. શ્રદ્ધા માટે આ સ્થિતિ ખૂબ જ અઘરી બની ગઈ અને તે ટિકિટ લઈને ટ્રેનમાં બેસી ગઈ.

યુવાન શ્રદ્ધાને કંઈ સૂઝતું ન હતું અને તે રતલામ સ્ટેશન પર ઉતરી ગઈ. અહીં તે એકલી બેઠી હતી ત્યાં કરણદીપ નામના એક યુવાને તેને જોઈ. કરણદીપ શ્રદ્ધાની કોલેજમાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરી ચૂક્યો હોવાથી તે તેને ઓળખી ગયો અને તેની સાથે વાત કરતા શ્રદ્ધાએ આખી કહાની તેને કહી.
કરણદીપે શ્રદ્ધાને ઘણી સમજાવી અને ફરી ઘરે જવા કહ્યું, પણ યુવાન શ્રદ્ધા લગ્ન માટે ભાગી હતી આથી ઘરે લગ્ન વિના પાછી જવા માગતી ન હતી. અંતે કરણદીપે તેની સાથે લગ્ન કર્યા. બન્ને મંદસૌરમાં હતા. દરમિયાન શ્રદ્ધાના પિતા અનિલ તિવારીએ દીકરીને શોધવાની તમામ કોશિશ કરી હતી, શોધી આપનારને 51,000નું ઈનામ પણ જાહેર કર્યું હતું. પોતે લગ્ન કરી લીધા છે.
તે જાણ કરવા શ્રદ્ધાએ જ પિતાને ફોન કર્યો અને પિતાએ તેને ઘરે આવવા કહ્યું. શ્રદ્ધા અને કરણદીપ બન્ને ઈન્દોર આવ્યા અને પહેલા પોલીસ સ્ટેશને ગયા, જ્યાં બન્નેનું નિવેદન નોંધવામાં આવ્યું. શ્રદ્ધાના પિતાએ જણાવ્યું છે કે તેઓ શ્રદ્ધા અને કરણદીપને 10 દિવસ માટે અલગ રાખવા માગે છે અને પછી પણ જો બન્ને સાથે રહેવા માગતા હશે તો તેમના લગ્ન સ્વીકારી લેશે.
Jab We Met ફિલ્મમાં પણ પ્રેમીને પરણવા ઘરેથી ભાગેલી કરિના કપૂર (ગીત) અને પરિવારથી પરેશાન સ્યૂસાઈડ કરવા નીકળેલો આદિત્ય (શાહીદ કપૂર) રતલામ રેલવે સ્ટેશન પર અનાયાસ મળે છે અને અંતમાં એકબીજાના થઈ જાય છે. આ ફિલ્મે તે સમયે ધૂમ મચાવી હતી અને આજે પણ લોકોને તે જોવી ગમે છે.
આ પણ વાંચો…દુહાની દુનિયા : પ્રેમી-પ્રિયતમાને ભોગવવી પડતી દૂરતાના દુહા