ઓટીટી પર અશ્લીલતાનું પ્રદર્શન કર્યું તો ખેર નથી: કેન્દ્ર સરકારે આપી ચીમકી…
નવી દિલ્હી: અત્યારના સમયમાં ટીવા કરતા પણ વધારે ઓટીટી જોવાય છે લોકોએ ટીવી તો જાણે ઘરમાં ફક્ત શો માટે જ હોય છે બાકી આખો દિવસ લોકો ઓટીટી પર વેબ સિરિઝ અને ફિલ્મો જોતા હોય છે. પરંતુ હાલમાં ઓટીટી પર એટલી અશ્લીલતા અને હિંસા બતાવવામાં આવી રહી છે કે તેની સીધી અસર બાળકો અને યુવાનો પર થઇ રહી છે.
આથી કેન્દ્ર સરકાર અને આઇટી મિનિસ્ટ્રી હવે ઓટીટી સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. સરકાર આ અંગે નવો કાયદો લાવવાની પણ તૈયારી કરી રહી છે. આ અંગેનું બિલ આગામી સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. લગભગ ચાર ડઝન ઓટીટી પ્લેટફોર્મ સરકારી તપાસના રડાર પર છે. તેમાંથી ત્રણને કારણ બતાવો નોટિસ પણ ફટકારવામાં આવી છે. જેઓ નિયમોનું પાલન નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સૂચના અને પ્રસારણ મંત્રાલય IT નિયમો-2021 ની કલમ 67 અને 67A હેઠળ અશ્લીલતા બતાવતા ઓટીટી પ્લેટફોર્મ સામે પગલાં લેવામાં આવશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણ ઓટીટી પ્લેટફોર્મને અશ્લીલ સામગ્રી દૂર કરવા અથવા કાર્યવાહીનો સામનો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેઓએ નિર્ધારિત સમયની અંદર તેના પાલનનો જવાબ પણ આપવો પડશે. એને જો OTT પ્લેટફોર્મ અશ્લીલતાની શ્રેણીમાં આવતા આવા કન્ટેન્ટને હટાવશે નહીં, તો તેમની સામે IT નિયમોની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 10 લાખ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષની જેલની જોગવાઈ પણ છે.
આ ઉપરાંત સરકાર OTT પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે નવો કાયદો પણ લાવી રહી છે. આ કાયદો પ્રસારણ ક્ષેત્રના નિયમનકારી માળખાને આધુનિક બનાવશે. આ અંતર્ગત સરકાર દ્વારા એક સમિતિની પણ રચના કરવામાં આવશે. આનાથી સંબંધિત બિલ આગામી સંસદ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર ચાર ડઝનથી વધુ OTT પ્લેટફોર્મ છે જે અશ્લીલતા ફેલાવી રહ્યા છે. તે ત્રણેય પ્લેટફોર્મ્સ પર ઘણી વેબ-સિરીઝની તપાસ કરવામાં આવી હતી અને તેમને નોટીસ મોકલવામાં આવી હતી. હાલમાં 57 રજિસ્ટર્ડ OTT પ્લેટફોર્મ છે, આ ઉપરાંત ઘણા ઓટીટી પ્લેટફોર્મ એવા પણ છે જેમણે હજુ સુધી નોંધણી પણ કરાવી નથી અને લોકોને અશ્લીલતા પીરસી રહ્યા છે. સરકારને આવા પ્લેટફોર્મ વિરુદ્ધ સતત ફરિયાદો મળી રહી છે, જેના આધારે કેન્દ્રીય મંત્રાલય હવે કડક કાર્યવાહી હાથ ધરી છે.