મનોરંજન

અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ ફરી મુંબઈ અને બોલીવૂડ હસ્તીઓની સુરક્ષા પર સવાલ

મુંબઇઃ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. આ હુમલા બાદ લોકો હવે મુંબઇની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યા છે. શિવસેના (યુબીટી)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે મુંબઇમાં વધુ એક હાઇ પ્રોફાઇલ વ્યક્તિને જાનથી મારવાની કોશિશ કરવામાં આવી છે. હવે તો એમ લાગે છે કે મુંબઇમાં તો હાઇ પ્રોફાઇલ લોકો પણ સુરક્ષિત નથી, તો તો પછી સામાન્ય લોકોની સુરક્ષાની તો વાત જ શું કરવી. ગુરુવારે મોડી રાતે સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. એક અજાણ્યા વ્યક્તિએ સૈફના ઘરમાં ઘુસી તેમના પર હુમલો કર્યો હતો. તેમના પર ચાકુના છ વાર કરવામાં આવ્યા હતા, જેમાંથી બે વાર ઘણા ઊંડા હતા. સૈફને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. સૈફના ઘરમાં કામ કરતા ઘરનોકરોને પણ પોલીસે અટકમાં લીધા છે. તેમના મોબાઇલ પણ પોલીસે જપ્ત કર્યા છે. પોલીસ સૈફના બિલ્ડિંગ અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ ખંગાળી રહી છે.

સૈફ પર થયેલા હુમલા બાદ પ્રિયંકા ચતુર્વેદીએ મુંબઇની સુરક્ષા પર પણ સવાલ ઉઠાવ્યા છે. એમણે જણાવ્યું છે કે કેવી શરમની વાત છે કે સૈફ પર હુમલો થયો. ફરીથી એક વાર મુંબઇ પોલીસ અને રાજ્યના ગૃહ પ્રધાન સામે સવાલ ઉઠે છે. મોટા મોટા અને હાઇ પ્રોફાઇલ લોકોને નિશાન બનાવીને મુંબઇને નબળુ પાડવાનો આ વ્યવસ્થિત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ મુંબઇમાં બાબા સિદ્દીકી જેવા હાઇ પ્રોફાઇલ રાજકારણીની હત્યા થઇ હતી અને તેમનો પરિવાર આજે પણ ન્યાયની રાહ જોઇ રહ્યો છે. સલમાન ખાન પણ હાઇ પ્રોફાઇલ વ્યક્તિ છે. તેને પણ જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે.

Also read: અભિનેતા સૈફ અલી ખાન પર થયો ચાકુથી હુમલો, હૉસ્પિટલમાં ભરતી

સલમાનખાન બુલેટ પ્રુફ ઘરમાં રહેવા મજબૂર છે. સલમાન ખાન, સૈફ અલી ખાન આ બધા બાન્દ્રામાં જ રહે છે. બધા હાઇ પ્રોફાઇલ લોકો છે. બાન્દ્રામાં તો હાઇ પ્રોફાઇલ, મશહુર લોકોનો મેળાવડો છે, તે જોતા અહીં સુરક્ષા વ્યવસ્થા ઘણી મજબૂત હોવી જોઇએ. જો મશહુર લોકો જ અહીં સુરક્ષિત નથી તો પછી સામાન્ય લોકોની તો વાત જ શું કરવી, એમ પ્રિયંકાએ કહ્યું હતું. એવી માહિતી સામે આવી રહી છે કે સૈફ અલી ખાનના દીકરાના રૂમમાં એક શખ્સ ઘુસ્યો હતો. તેણે સૈફની ઘરનોકરાણીને પકડી લીધી. તે જોરજોરમાં ચીસો પાડવા માંડી, જેનાથી બાજુની રૂમમાં સુતેલો સૈફ જાગી ગયો અને બહાર આવ્યો. સૈફને જોઇને અજાણ્યા શખ્સે તેમની પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. આ હુમલામાં સૈફ અને તેમની ઘરનોકરાણી પણ ઘાયલ થઇ ગઇ. હાલમાં સૈફની લીલાવતી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button