સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓરીની મુશ્કેલીઓ વધી, વૈષ્ણો દેવી મંદિર પાસે કર્યું આવું કામ…

Entertainment: સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુએન્સર તરીકે એક પ્રસિદ્ધ થયેલો ચહેરો છે, જે બોલીવુડમાં ના હોવા છતાં પણ મોટાભાગના બોલિવુડ સ્ટાર્સ સાથે તસવીરોમાં જોવા મળે છે. ઓરહાન અવત્રામણી ઉર્ફે ઓરી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. પરંતુ અત્યારે તેના પર કેસ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જમ્મુ અને કાશ્મીર પોલીસે જમ્મુના કટરા સ્થિત એક હોટલમાં દારૂ પીવા બદલ 8 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જેમાંથી ઓરી પણ સામેલ છે. અહીં દારૂ પીવા પર પ્રતિબંધ છે, તેમ છતાં આ લોકોએ અહીં દારૂ પાર્ટી કરી હતી. જેથી પોલીસે તેમની સામે ફરિયાદ દાખલ કરી છે.
ઓરીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. હોટલમાં દારૂ પીવાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો તેમાં ઓરી પણ દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કટરામાં વૈષ્ણો દેવી માતાનું મંદિર આવેલું છે. જેને હિંદુ ધર્મનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે. જેના કારણે અહીં દારૂ પર પ્રતિબંધ છે. જો કે, ઓરીએ અહીં તેના મિત્રો સાથે દારૂ સાથે નોનવેજની પાર્ટી કરી હતી. મીડિયા રિપોર્ટ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, ઓરીને અને તેના મિત્રો પહેલા જ કહેવામાં આવ્યું હતું કે, અહી દારૂ અને નોનવેજ પર પ્રતિબંધ છે. તેમ છતાં સૂચનાઓને અવગણીને દારૂની પાર્ટી કરી હતી. જેથી તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રિપોર્ટ પ્રમાણે ઓરી અને તેના મિત્રો દર્શન સિંહ, પાર્થ રૈના, રિતિક સિંહ, રક્ષિતા ભોગલ, ઋષિ દત્તા, શગુન કોહલી અને અનસતાસિલા અર્જમસ્કિના સાથે અહીં 15 માર્ચે દારૂની પાર્ટી કરી હતી. ઓરીએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે મિત્રો સાથે પાર્ટી કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દારૂની બોટલો સ્પષ્ટ દેખાઈ રહી હતી, જે ત્યાં ટેબલ પર રાખવામાં આવી હતી. જેથી આ મામલે કટરા પોલીસે કાર્યવાહી હાથ ધરી અને એફઆઈઆર દાખલ કરી અને તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રેયાસીના એસએસપીએ અહીં આવતા લોકોને દારૂ પાર્ટી અને નોનવેજ પાર્ટી કરતા પહેલો ચેતવણી આપી છે. એસએસપીએ કહ્યું કે, જે લોકો અહીં કાયદાનું પાલન નહીં કરે અને શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. એસએસપીએ ખાસ કરીને દારૂની પાર્ટી કરલા લોકોને ચેતવણી આપતા કહ્યું છે કે, આવા વર્તન અને કાયદો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓરી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું એસએસપીએ જણાવ્યું છે.