હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી રચશે નવો ઈતિહાસ, ભારતની પ્રથમ ફિલ્મનું થયું મુહૂર્ત, જાણો ખાસિયતો…

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પાછલા ઘણા સમયથી હરણફાળ ભરી છે. એક બાદ એક યુનિક કનસેપ્ટને લઈ ફિલ્મ બનાવવામાં આવે છે, જ્યારે આ ફિલ્મો દર્શકોને પણ પસંદ પડી રહી છે. ટૂંકમાં, ગુજરાતી દર્શકોને માતૃભાષામાં ફિલ્મ જોવા પર મજબૂર બનાવી રહ્યા છે ત્યારે ફરી એક વખત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ઈતિહાસ રચવાની તૈયારી કરી છે.
ભારતની પ્રથમ AI જનરેટેડ ગુજરાતી ફિલ્મ ‘ધ ઇસ્કોન બ્રિજ’નું મુહૂર્ત કર્યું છે. આ થ્રિલર ફિલ્મ 2025ના અંત સુધીમાં રિલીઝ કરી શકાય છે. એટલું જ નહીં, આ ફિલ્મના નિર્માણમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ) ટેક્નોલોજીનો ઉપયોગ એક નવી શરૂઆતનો સંકેત આપે છે, જે ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
ફિલ્મનું મુહૂર્ત અને નિર્માણ
‘ધ ઇસ્કોન બ્રિજ’ ફિલ્મના વિઝ્યુઅલ્સ અને વીડિયો AI દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે વાર્તા, સ્ક્રીનપ્લે અને સંગીત માનવીય સર્જનાત્મકતા પર આધારિત છે. ફિલ્મનું દિગ્દર્શન અને લેખન ચેતન ચૌહાણે કર્યું છે, જ્યારે કુનાલ શાહ AI ક્રિએટિવ ડિરેક્ટર અને વિવેક છેત્રી સંગીતકાર છે.
એઆઈનો ઉપયોગ અને સત્ય ઘટનાઓ
આ ફિલ્મની ખાસિયત એ છે કે તે ગોસ્ક્રિપ્ટોના Go2V વિઝ્યુઅલ કન્ટેન્ટ એન્જિનનો ઉપયોગ કરે છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, જે તેને વધુ રોમાંચક બનાવે છે. એઆઈ દ્વારા બનાવેલા પાત્રો ગુજરાતી ભાષામાં એટલી સહજતાથી બોલે છે કે દર્શકોને આશ્ચર્ય થશે. ફિલ્મની વાર્તા એક પેરાનોર્મલ થ્રિલર છે, જે દર્શકોને થિયેટરમાં એક નવો અનુભવ આપવાની ખાતરી આપે છે.