‘ધુરંધર’ની વૈશ્વિક ધૂમ વચ્ચે ગલ્ફ દેશોમાં લાગ્યો પ્રતિબંધ, જાણો આ અગાઉ કેટલી ફિલ્મ પર લાગ્યો હતો બેન્ડ

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર’ હાલમાં સિનેમાઘરોમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ ભારત સહિત અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં દર્શકોની પહેલી પસંદ બની ગઈ છે. જોકે, એક તરફ આ ફિલ્મની સ્ટોરીના વખાણ થઈ રહ્યા છે, તો બીજી તરફ મધ્ય પૂર્વના દેશો એટલે કે ગલ્ફ કન્ટ્રીઝમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ ભારતીય ફિલ્મને ગલ્ફમાં એન્ટ્રી ન મળી હોય, આ પહેલા પણ ઘણી ફિલ્મો આ યાદીમાં સામેલ થઈ ચૂકી છે.

ગલ્ફ દેશોમાં સેન્સરશિપના નિયમો ખૂબ જ કડક છે, જેના કારણે સલમાન ખાનની બ્લોકબસ્ટર ‘ટાઇગર 3’ જેવી સ્પાય થ્રિલરને પણ ત્યાં રિલીઝ થવા દેવામાં આવી નહોતી. ઓમાન, કુવૈત અને કતાર જેવા દેશોએ આ ફિલ્મને નકારાત્મક ગણાવીને તેના પર રોક લગાવી હતી. તેવી જ રીતે, હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઈટર’માં ભારત-પાકિસ્તાનના સંઘર્ષને જે રીતે દર્શાવવામાં આવ્યો હતો, તેનાથી નારાજ થઈને ગલ્ફ દેશોએ આ એક્શન ડ્રામાને પોતાના દેશોમાં પ્રતિબંધિત કરી દીધો હતો.
આ પણ વાંચો: પહેલા જ અઠવાડિયામાં’ધુરંધર’ ફિલ્મ પહોંચી 200 કરોડને પાર, પરંતુ આ રેકોર્ડ ન તોડી શકી

રાજકીય અને સામાજિક વિષયો પર બનેલી ફિલ્મો હંમેશા ગલ્ફ દેશોમાં વિવાદનું કારણ બની છે. કશ્મીર પર આધારિત યામી ગૌતમની ફિલ્મ ‘આર્ટિકલ 370’ ને તેની વિવાદાસ્પદ અને સત્ય ઘટનાઓ પર આધારિત વાર્તાને કારણે ત્યાં રિલીઝની પરવાનગી મળી નહોતી. આ સિવાય મલયાલમ ફિલ્મ ‘કાથલ – ધ કોર’માં સમલૈંગિકતાના એંગલને બતાવવામાં આવ્યો હોવાથી તેને ધાર્મિક અને સામાજિક માન્યતાઓ વિરુદ્ધ ગણીને ત્યાંના સિનેમાઘરોમાંથી બહાર રાખવામાં આવી હતી.

ફિલ્મોમાં બતાવાતી હિંસા અને બોલાતી ભાષા પણ ક્યારેક પ્રતિબંધનું કારણ બને છે. અનુરાગ કશ્યપની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ આજે ભલે ભારતમાં સુપરહિટ માનવામાં આવે, પરંતુ તેના રો-ડાયલોગ્સ અને હિંસક પાત્રોને કારણે ગલ્ફમાં તેને મુસ્લિમ સમુદાય માટે વાંધાજનક ગણાવવામાં આવી હતી. આમ, જે ફિલ્મો ભારતમાં રેકોર્ડ તોડ કમાણી કરે છે, તેને ગલ્ફ દેશોમાં પોતાની વિષયવસ્તુને કારણે ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.



