“સેન્સર બોર્ડમાં લાંચ ન આપો તો કોઇ કામ નથી થતું, પ્રસૂન જોશીએ રાજીનામું આપી દેવું જોઇએ”
“બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ભલાઇ માટે પ્રસૂન જોશીએ રાજીનામું આપી દેવું જોઇએ. જો તેમની પાસે સમય જ નથી, તો તેમનો કોઇ હક નથી કે તેઓ ચેરમેનની ખુરશી પર બેસે, તેઓ તો ઓફિસમાં બેસતા જ નથી અને બધી સત્તા તેમણે સીઓને આપી રાખી છે. ક્લિયરન્સનું કામ ચેરમેનનું હોય છે પરંતુ તે કામ તો સીઓ કરી રહ્યા છે.” આ શબ્દો છે પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર અને સેન્સર બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન પહલાજ નિહલાનીના.
મુંબઇ સ્થિત સેન્સર બોર્ડ હાલમાં લાખો રૂપિયાની લાંચના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યું છે. દક્ષિણના અભિનેતા વિશાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટમાં સેન્સર બોર્ડ પર આક્ષેપ લગાવ્યો છે કે તેમને તેમની ફિલ્મ ‘માર્ક એન્ટોની’ની હિન્દી આવૃત્તિ પાસ કરાવવા માટે 3થી 6 લાખ રૂપિયાની લાંચ સેન્સર બોર્ડને આપવી પડી હતી. સેન્સર બોર્ડને ફિલ્મ બતાવવા માટે અને ત્યારબાદ સર્ટિફિકેટ મેળવવા માટે એમ બંને પ્રક્રિયાઓ માટે ફિલ્મનિર્માતાઓ પાસેથી સેન્સર બોર્ડે રૂપિયા માગ્યા હોવાનો દાવો એક્ટર વિશાલે કર્યો છે.
હવે આ વિવાદમાં સેન્સર બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન પહલાજ નિહલાનીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “સેન્સર બોર્ડમાં જે કંઇપણ થઇ રહ્યું છે તે શરમજનક છે, આ લોકોએ તો હવે હિંમત બતાવી, પરંતુ આવું તો ઘણા સમયથી ચાલતું આવ્યું છે. મને અનેક નિર્માતાઓના મેસેજ આવે છે કે સાહેબ, તમે હતા તો ચિંતા ન હતી પરંતુ હવે તો પૈસા આપ્યા વગર કંઇ થતું જ નથી. પૈસા આપ્યા વગર ફિલ્મો પણ જોવાતી નથી.”
નિહલાનીએ આગળ કહ્યું, “આ પછી હું કેટલાક બોર્ડના સભ્યોને મળ્યો અને કહ્યું થોડી ગંભીરતાને સમજો, મારા એક મિત્ર દક્ષિણ ભારતીય ફિલ્મો બનાવે છે તેમને પણ હિંદી ડબિંગ સર્ટિફિકેટ જ્યાં સુધી પૈસા ન મળ્યા ત્યાં સુધી આપ્યું જ નહિ. આમ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. હજુ અનેક નિર્માતાઓ આગળ આવશે અને પોતાની વ્યથા રજૂ કરશે. પહેલા ટ્રિબ્યુનલ હતું પરંતુ સરકારે તેનો વિકલ્પ જ કાઢી નાખ્યો અને ક્લિયરન્સની બધી સત્તા સેન્સર બોર્ડને જ સોંપી દીધી.”
હાલ આ સમગ્ર મામલે કેન્દ્રીય સૂચના અને માહિતી પ્રસારણ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.