‘મને મા પસંદ હતી, દીકરી નહીં’: રામ ગોપાલ વર્માએ જાહ્નવી કપૂર અંગે કરી વિવાદિત ટિપ્પણી

મુંબઈ: હોરર ફિલ્મો માટે જાણીતા ફિલ્મ મેકર રામ ગોપાલ વર્મા કશુ બોલે અને તેનાથી કોન્ટ્રોવર્સી ન સર્જાય તેવું મોટા ભાગે શક્ય બનતું નથી. તેઓ પોતાના નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં આવી જાય છે. તાજેતરમાં રામ ગોપાલ વર્માએ શ્રીદેવી અને તેની દીકરી જાહ્નવી કપૂરને લઈને એવું નિવેદન આપ્યું છે. જે વિવાદાસ્પદ બન્યું છે.
શ્રીદેવીની એક્ટિંગ જોઈને હું ભૂલી જતો
રામ ગોપાલ વર્મા સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીના મોટા ચાહક રહ્યા છે. તાજેતરમાં તેમણે એક ઈન્ટરવ્યુંમાં શ્રીદેવીના વખાણ કરવાની સાથે એવું કંઈક કહ્યું છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. રામ ગોપાલ વર્માએ ઈન્ટરવ્યુંમાં શ્રીદેવીના વખાણ કરતા જણાવ્યું કે, “પડાહરેલ્લા વયાસુ કે પછી વસંત કોકિલા આવી ઘણા પ્રકારની ફિલ્મમાં શ્રીદેવીએ પર્ફોમન્સ કર્યું છે. સાચું કહું તો તેમને એક્ટિંગ કરતા જોઈને હું ભૂલી જતો હતો કે, હું ફિલ્મમેકર છું અને તેમને એક દર્શક તરીકે જ જોવા માંડતો હતો.”
મને મા પસંદ હતી, દીકરી નહીં
આ ઉપરાંત રામ ગોપાલ વર્માએ આગળ જણાવ્યું કે, “મને હજુ સુધી જાહ્નવીમાં શ્રીદેવી દેખાઈ નથી. મને મા પસંદ હતી, દીકરી નહી. હું નેગેટિવ નથી બોલી રહ્યો. મારી કારકિર્દી દરમિયાન ઘણા એવા સારા એક્ટર રહ્યા છે, જેની સાથે મારું ખાસ જોડાણ થઈ શક્યું નથી. જેમાં જાહ્નવી કપૂરનું નામ પણ સામેલ છે. મારો તેમની સાથે ફિલ્મ કરવાનો કોઈ ઈરાદો નથી.”
15 વર્ષ બાદ રામ ગોપાલ વર્માનું કમબેક
ઉલ્લેખનીય છે કે, રામ ગોપાલ વર્મા 15 વર્ષ બાદ પોતાની નવી હોરર-કોમેડી ફિલ્મ ‘પોલીસ સ્ટેશન મેં ભૂત’ સાથે બોલિવૂડમાં પરત ફરવા માટેની તૈયાર કરી રહ્યા છે, આ ફિલ્મમાં મનોજ બાજપેયી લીડ રોલમાં જોવા મળશે. બીજી તરફ, જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ‘સની સંસ્કારી કી પરમ સુંદરી’ 2 ઓક્ટોબરે દશેરાના દિવસે થિયેટર્સમાં રિલીઝ થવાની છે.