HAPPY BIRTHDAY: ઘરે ઘરે કાર હોય તેવું સપનું જોયું હતું આ રાજકારણીએ પણ…
ભારતીય રાજકારણ જગતમાં સૌથી લાંબો સમય જેમનું શાસન રહ્યું અને તેથી જ સૌથી વિવાદીત પણ રહ્યું તેવા ગાંધી પરિવારનાં એક સભ્ય અલગ જ તરી આવતા હતા અને તે હતા સંજય ગાંધી. આજે તેમનો જન્મદિવસ છે. તેમનો જન્મ 1946માં નવી દિલ્હીમાં થયો હતો. તેઓ દેશના પહેલાં અને એક માત્ર મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના નાના પુત્ર હતા. સંજય ગાંધી મિજાજના ખૂબ અલગ હતા. તેમના વિશે ઘણું છપાયું છે. તેમાના અમુક કિસ્સા તેમનો પરિચય કરાવે છે.
તે સમયની સરકારમાં તેમનું કોઈ પદ ન હોવા છતાં અધિકારીઓ તેમને સર કહેતા અને અકબર રોડ પર રોજ આઠ વાગ્યે જાણે તેમની સભા ભરાતી. કૉંગ્રેસ નેતા જગદીશ ટાઈટલરના કહેવા અનુસાર કોઈ વ્યક્તિ સંજય ગાંધીને જોઈ પોતાની ઘડીયાલનો ટાઈમ મેચ કરી શકે તેટલા સમયની બાબતમાં શિસ્તપ્રિય હતા. જોકે મોટા ભાઈ રાજીવ ગાંધી અને માતા ઈન્દિરા સાથે તેમના ખાટામીઠા સંબંધો વારંવાર મીડિયામાં છપાયા છે. પત્ની મેનકાની તેઓ ખૂબ કાળજી રાખતા પણ તેમના સંબંધોમાં પણ ઘણીવાર ખટાશ આવી હોવાનું કહેવાય છે. કટોકટી સમયની તેમની ભૂમિકા, તેમના નિર્ણયો હંમેશાં માટે વિવાદીત રહ્યા.
જોકે આપણે વાત કરવી છે સંજય ગાંધીના એક એવા સપનાની જે તેમના મૃત્યુ બાદ પૂરું થયું, પરંતુ જેણે ભારતના મધ્યમવર્ગને પોતાની કારમાં ફરતા કરી દીધાં.
સંજય ગાંધીને કાર અને પ્લેનનો ખૂબ શોખ હતો. કોલેજ છોડીને રોલ્સ રોય કંપનીમાં ઈન્ટર્નશીપ કરનાર સંજય જ્યારે પાછા ફર્યા ત્યારે તેમણે ભારતીય વાતાવરણ પ્રમાણે કાર બનાવવાનું વિચાર્યું. દિલ્હીના ગુલાબી બાગમાં એક વર્કશોપ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યારે તેમણે માતા સાથે આ અંગે ચર્ચા કરી તો તેમણે એક સરકારી કંપની બનાવી. આ રીતે, મારુતિ મોટર્સ લિમિટેડ જૂન 1971માં અસ્તિત્વમાં આવી અને સંજય તેના મેનેજિંગ ડિરેક્ટર બન્યા.
વિનોદ મહેતાએ ‘ધ સંજય સ્ટોરી’માં લખ્યું છે કે ઈમરજન્સી લાદવામાં આવી અને તે પછી ઈન્દિરા સત્તામાંથી બહાર ફેંકાયા. જનતા પાર્ટીની સરકારે આ પ્રોજેક્ટ અટકાવીને તપાસ કરાવી હતી. 1980માં ઈન્દિરા સત્તા પર પાછા ફર્યા પરંતુ થોડા મહિનાઓ પછી જ એક વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું મૃત્યુ થયું હતું. લગભગ ત્રણ વર્ષ પછી, ડિસેમ્બર 1983માં, મારુતિ 800 લૉન્ચ કરવામાં આવી અને તે દેશભરમાં હિટ બની. આ રીતે સંજય ગાંધી દેશને પોતાની કાર આપીને ગયા. તેમનું મૃત્યુ પણ વિવાદીત રહ્યું.
તેમને જન્મદિવસ નિમિત્તે સ્માણાંજલિ