હૃતિક રોશનની બહેન પશમીના રોશન આ બોલીવુડ હીરો સાથે જોડી જમાવશે
બોલીવુડ અભિનેતા હૃતિક રોશનની બહેન પશમીના રોશન ટૂંક સમયમાં જ બોલીવુડમાં પદાર્પણ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન પણ જોવા મળશે, તેમજ ફિલ્મમાં હીરો તરીકે ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. એક મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મનું નામ ‘હીરો નંબર વન’ રાખવામાં આવ્યું છે.
આ ફિલ્મ એક્શન-ડ્રામા કેટેગરીની હશે જેમાં પશમીના ટાઇગર શ્રોફની લવરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સાયન્સનો ટચ પણ હશે. નામ પરથી પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કદાચ ગોવિંદાની ‘હીરો નંબર 1’ ની રિમેક કે સિક્વલ હશે પરંતુ એવું નથી. આ ફિલ્મને ‘મિશન મંગલ’ બનાવનારા જગન શક્તિ દિગ્દર્શિત કરવાના છે.
જાન્યુઆરી 2024 સુધીમાં ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ થઇ જશે. વાસુ ભગનાનીના પ્રોડક્શન હાઉસ દ્વારા આ ફિલ્મનું નિર્માણ થશે. પશમીના માટે સારી બાબત એ છે કે તેની ડેબ્યુ ફિલ્મ હજુ રિલીઝ પણ નથી થઇ ત્યાં તેને બીજો પ્રોજેક્ટ મળી ગયો છે. ટાઇગરે આ ફિલ્મની એકશન સિક્વન્સનું શૂટિંગ પૂરું પણ કરી લીધું છે.
પશમીનાની ડેબ્યુ ફિલ્મમાં તેની સાથે ‘મિસમેચ્ડ’ ફેમ રોહિત સરાફ, જીબરાન ખાન અને નાઇલા ગ્રેવાલ જોવા મળશે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મ શાહિદ કપૂરની 2003માં આવેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ની રિમેક છે.