ફાધર્સ ડે: બોલિવૂડમાં કેટલાક બાપ તેવા બેટા, તો કેટલાક બાપ કરતાંય સવાયા!

મુંબઈ: જૂન મહિનાના ત્રીજા રવિવારને ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજે દીકરા-દીકરીઓ પોતાના પિતાજીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બોલિવૂડમાં પણ પિતા-પુત્રની અનેક જોડીઓ છે. જેમણે ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે. જોકે એવા કેટલાક પુત્રો છે, જેઓ પિતા જેટલી હિટ ફિલ્મો આપી શક્યા નથી. તો એવા કેટલાક પુત્રો એવા પણ છે, જેમણે પિતા કરતાંય વધારે લોકચાહના મેળવી છે. આજના ફાધર્સ ડે પર આવો બોલીવૂડની પિતા-પુત્રની જોડી વિશે જાણીએ.
કપૂર પરિવારમાંથી આવી પિતા-પુત્રની જોડીવાળી ફિલ્મ
બોલીવૂડમાં કપૂર પરિવારનો બહું મોટો ફાળો છે. પિતા પૃથ્વીરાજ કપૂરના પગલે ચાલીને તેમના ત્રણેય દીકરા રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર બોલીવૂડમાં આવ્યા હતા. પૃથ્વીરાજ કપૂરે આવારા ફિલ્મમાં રાજકપૂર સાથે તથા પ્યાર કિયા તો ડરના ક્યા ફિલ્મમાં શમ્મી કપૂર સાથે પણ કામ કર્યું હતું. આ સિવાય કલ આજ ઔર કલ ફિલ્મમાં તેમણે પુત્ર રાજ કપૂર અને પૌત્ર રણધીર કપૂર સાથે પણ કામ કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે, આ ફિલ્મમાં ત્રણેય પિતા, પુત્ર અને પૌત્રની ભૂમિકામાં હતા. આજે આપણે એવા જ પિતા-પુત્રની વાત કરીશું, જેમણે ફિલ્મોમાં પણ પિતા-પુત્રનો અભિનય કર્યો હોય.
દેવાનંદ સિનેજગતમાં અલગ છાપ છોડનાર અભિનેતા છે. તેમના દીકરા સુનીલ આનંદે 1984માં આવેલી ‘આનંદ ઔર આનંદ’ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. દેવાનંદ આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક બંને હતા અને તેમણે ફિલ્મમાં સુનીલના પિતાની ભૂમિકા પણ ભજવી હતી. દેવાનંદની જેમ રાજેન્દ્ર કુમારે પણ પોતાના દીકરા કુમાર ગૌરવ માટે ફિલ્મ ‘લવ સ્ટોરી’ બનાવી હતી. જેમાં રાજેન્દ્ર કુમારે ગૌરવ કુમારના પિતાની ભૂમિકા ભજવી હતી. જોકે સુનીલ આનંદ અને કુમાર ગૌરવ પોતાના પિતા જેવી પ્રસિદ્ધિ મેળવી શક્યા ન હતા.
દીકરાઓ માટે ફિલ્મ બનાવનાર ઉપરોક્ત બે પિતાઓની યાદીમાં વધુ એક નામ ઉમેરવું પડે એમ છે. આ નામ છે રાકેશ રોશન. રાકેશ રોશને ‘કહોના પ્યાર હે’ ફિલ્મથી દીકરા હૃત્તિકને બોલીવુડમાં અભિનેતા તરીકે પદાર્પણ કરાવ્યું હતું. હૃત્તિક રોશન આ અગાઉ પણ પોતાના દાદા જે. ઓમ પ્રકાશ અને પિતા રાકેશ રોશનના નિર્દેશનમાં તૈયાર થયેલી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કરી ચૂક્યો હતો. ‘કોઈ મિલ ગયા’ અને ‘ક્રિશ’ ફિલ્મમાં રાકેશ રોશને હૃત્તિક રોશનના પિતાની ભૂમિકા પણ ભજવી હતી. જોકે આજે આ દીકરો બાપ કરતાંય આગળ વધી ગયો છે.
ધર્મેન્દ્રએ સૌથી વધુ વખત ફિલ્મોમાં કર્યો દીકરાના બાપનો રોલ
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન નું નામ પિતા-પુત્રની જોડીમાં અચૂકપણે આવે છે. બાપ-દીકરાની આ જોડી હિટ માનવામાં આવે છે. અમિતાભ બચ્ચને ‘સરકાર’ અને ‘કભી અલવિદા ન કહેના’ ફિલ્મમાં અભિષેકના પિતાની ભૂમિકા ભજવી છે. જ્યારે ‘પા’ ફિલ્મમાં અભિષેકે અમિતાભ બચ્ચનના પિતાની ભૂમિકા ભજવી છે. આ સિવાય પિતા-પુત્રની આ જોડીએ ‘બંટી બબલી’, ‘બોલ બચ્ચન’, ‘ઝૂમ બરાબર ઝૂમ’ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું છે.
એક સમયે વિનોદ ખન્ના બોલિવૂડમાં પોતાની આગવી છાપ ઊભી કરી ચૂક્યા હતા. તેમણે પુત્ર અક્ષય ખન્ના માટે ફિલ્મ બનાવી હતી. 1997માં આવેલી ફિલ્મ ‘હિમાલય પુત્ર’થી અક્ષય ખન્નાએ બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. જેમાં વિનોદ ખન્નાએ તેના પિતાની ભૂમિકા ભજવી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
અમિતાભ અને અભિષેકની જેમ સુનીલ દત્ત અને સંજય દત્તની જોડી પણ બોલીવુડની લોકપ્રિય જોડી ગણાય છે. પુત્ર સંજય માટે સુનીલ દત્તે ‘રોકી’ ફિલ્મ બનાવી હતી. જેમાં સુનીલ દત્તે સંજયના પિતાની ભૂમિકા પણ ભજવી હતી. ત્યારબાદ તેમણે ‘ક્ષત્રિય’ અને ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફિલ્મમાં સુનીલ દત્તે ફરી એકવાર સંજય દત્તના પિતાની ભૂમિકા ભજવી હતી.
ધર્મેન્દ્રએ પોતાના સંતાનો સાથે 10થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. જેમાં 6 ફિલ્મોમાં ધર્મેન્દ્રએ સન્ની દેઓલ સાથે કામ કર્યું છે. જ્યારે અપને, યમલા પગલા દીવાના, યમલા પગલા દીવાના 2, અને યમલા પગલા દીવાના ફિર સે ફિલ્મમાં ધર્મેન્દ્રએ સન્ની અને બોબી એમ બંને દીકરાઓ સાથે કામ કર્યું છે.
આ પણ વાંચો - શું છે 12Aનું રેટિંગ, જે બ્રિટિશ સેન્સર બોર્ડે સિતારે ઝમીન પર ફિલ્મને આપ્યું છે?
ઉપરોક્ત જોડીઓ સિવાય વાત કરીએ તો ફરદીન ખાન અને ફિરોઝ ખાને ‘જાનશીન’ અને ‘એક ખિલાડી એક હસીના’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. 2003માં આવેલી ‘કુછ તો હૈ’ ફિલ્મમાં તુષાર કપૂરે પિતા જિતેન્દ્ર સાથે કામ કર્યું હતું. ‘બેશરમ’ ફિલ્મમાં રણવીર કપૂર અને ઋષિ કપૂરે સાથે કામ કર્યું હતું. ઋષિ કપૂર સિવાય શશિ કપૂરે 1972માં આવેલી ફિલ્મ ‘સિદ્ધાર્થ’માં દીકરા કૃણાલના પિતાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે 1982માં આવેલી ફિલ્મ ‘વિજેતા’માં પણ પુત્ર કુણાલના પિતાની ભૂમિકા ભજવી હતી.