સૈયારાનું કપલ ક્યૂટ, પણ ફરી બીમારીની ફોર્મ્યુલા ને ઈમોશન્સનો ઓવરડોઝ | મુંબઈ સમાચાર
મનોરંજન

સૈયારાનું કપલ ક્યૂટ, પણ ફરી બીમારીની ફોર્મ્યુલા ને ઈમોશન્સનો ઓવરડોઝ

બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધમાલ મચાવનારી ફિલ્મ સૈયારા(Saiyaara) એ ન્યૂ કમર્સ અને લવસ્ટોરી બનાવનારાઓ માટે આશા જગાવી છે, આ સાથે થિયેટરમાલિકોને કમાણી પણ કરાવી આપશે, તેમ પણ લાગી રહ્યું છે. સૈયારાનું સૌથી મોટું આકર્ષણ લીડ સ્ટાર્સ અનીત પડ્ડા અને અહાન પાંડે છે. બન્નેએ યંગસ્ટર્સમાં જબરું આકર્ષણ જગાવ્યું છે. આ સાથે મ્યુઝિક અને માર્કેટિંગ પણ કામ કરી ગયા છે. ફિલ્મે એડવાન્સ બુકિંગ અને ફર્સ્ટ ડે કલેક્શનમાં ધાક પાડી દીધી છે, પરંતુ જો ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો નવીનતામાં માત્ર હીરોઈનની બીમારી નવી છે, બાકી બધું ક્યાંક જૂનું ને જાણીતું છે અને પ્રેડિક્ટેબલ લાગે છે.

ફિલ્મનો હીરો સિંગિંગ સ્ટાર બનવા માગે છે. એક તો સમજાતું નથી કે હિન્દી ફિલ્મના સર્જકોને સિંગિંગ સિવાય કોઈ પ્રોફેશન મળતું જ નથી, ઘણી એવી ફિલ્મો છે જેમાં હીરોને પોતાનું બેન્ડ હોય અને એ જ સિંગરના સ્ટ્રગલની વાત હોય. હમણા જ આવેલી મેટ્રો ઈન દીનોં….માં પણ અલી ફઝલને આ રીતે સ્ટ્રગલર જ બતાવાયો છે. કોઈ હીરોને સાયન્ટિસ, કે બિઝનેસમેન કે પોલિટિશિયન બનવું કેમ નથી હોતું તે સવાલ છે. ખૈર, ફિલ્મમાં એક સારી વાત એ છે કે ક્રિશ કપૂરનો રોલ કરી રહેલા અહાન પાંડેની સ્ટ્રગલ સ્ટોરી થોડી અલગ રીતે બતાવાઈ છે અને તેમાં રાઈટર તરીકેની અનીત પડ્ડા એટલે કે વાની બત્રાનાં સ્ટ્રગલની વાતને પણ એડ કરી કંઈક નવું મળ્યું હોય તેમ લાગે છે.


બીજી વાત છે તે છે ફિલ્મની ટર્નંગ પોઈન્ટની. મોટેભાગે આવી ઈન્ટેન્સ લવસ્ટોરીમાં બન્નેમાંથી એક પાત્રને બીમારી થાય છે અને તે લગભગ કેન્સર જ હોય છે. ફિલ્મ દિલ એક મંદિરથી લઈ તાજેતરમાં રિ-રિલિઝ થયેલી સનમ તેરી કસમમાં હીરો કે હીરોઈનને ટ્યૂમર હોય છે અને અંતે મોત બતાવવામાં આવે છે. સૈયારામાં થોડું અલગ છે. અહીં હીરોઈનને અલ્ઝાઈમર થાય છે. રેર ઓફ ધ રેર કેસમાં આટલી યંગ એજમાં કોઈ ભૂલી જવાની બીમારીથી પીડાઈ છે. હીરોઈનને આ રોગ લાગુ પાડવા સુધી બરાબર છે, પરંતુ ત્યારબાદના અમુક ડેવલપમેન્ટ સાયન્સ અને લોજિક સાથે ફીટ બેસતા નથી. પોતાની વ્હાલી દીકરીને આટલી મોટી બીમારી હોવાની જાણ થયા બાદ ઈલાજના ભાગરૂપે તેને હીરો સાથે એકલી ફરવા મોકલી દેવી, હીરોઈનનું સ્ટ્રેન્જ બિહેવિયર, છોડીને એકલું ચાલ્યું જવું, વરસ પછી મળતું અને પાછું યાદ આવી જવું વગેરે. લવસ્ટોરીના ભાગરૂપે ભલે જોવું ગમે, પણ લોજિકલ ન લાગતું હોવાથી કનેક્ટ થવું અઘરું છે.


મોહીત સૂરીની ફિલ્મોની વધુ એક ખટકે તેવી વાત, ખેંચાખેંચી. સિન્સને ખેંચવાની, ઈમોશન્સનો ઓવરડોઝ અને એકસરખી ઈન્સીડેન્ટ્સને લીધે જોયેલી ફિલ્મ જોતા હોવાનું લાગે. આ સાથે મોહીત સૂરી એન્ટરટેઈનમેન્ટનો ડોઝ આપવાનું ભૂલી ગયા છે. ફિલ્મમાં લાઈટ મોમેન્ટ્સ ઘણી ઓછી છે, દર્શકોના ચહેરા પર સ્માઈલ ઓછું આવે છે અને વચ્ચે મોબાઈલ જોવાનું મન થઈ જાય છે. ફિલ્માં ઈન્ટિમેટ સિન્સ પણ વધારે પડતા છે અને એકના એક લિપ કિસિંગના સિન્સ રોમાન્સને બદલે ચિપનેસ લાગવા માંડે છે.

પણ હા, બન્ને એકટર્સને દાદ દેવી પડશે. બન્નેએ પોતાના પાત્રોને ન્યાય આપ્યો છે. ખાસ કરીને અનીત અમુક સિન્સમાં કમાલ કરી ગઈ છે. અહાન પણ ઈમ્પ્રેસિવ છે, પણ તેણે તેના વોઈસ-ડાયલૉગ્સ ડિલિવરી પર કામ કરવું પડશે. બન્ને કેમેરા કોન્સિયસ નથી અને કેમેસ્ટ્રી પણ મસ્ત જામે છે. મ્યુઝિક તો સારું છે જ, પણ લિરિક્સ પણ એટલા જ મજબૂત છે. જો ફિલ્મને હજુ વધારે તાજગી આપી હોત તો લવસ્ટોરી માટે તરસી રહેલા દર્શકોને બહેતર ફિલ્મ મળી હોત.

આ પણ વાંચો…બોક્સ ઓફિસમા સૈયારા સહિત બે ફિલ્મોએ મારી એન્ટ્રી, જાણો કઈ ફિલ્મે કેટલું કર્યું કલેક્શન

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button