Homebound film review: થિયેટરમાં પૂરી થયા પછી આ ફિલ્મ તમારા દિલ-દિમાગમાં ચાલતી રહેશે…

કોઈપણ કલાકૃતિ ઉત્કૃષ્ટ ત્યારે જ કહેવાય છે જ્યારે તે તેના વાચકો અને દર્શકોના દિલ અને દિમાગ પર લાંબા સમય સુધી કબ્જો જમાવીને બેસી જાય. આજથી દસ વર્ષ પહેલા આવેલી ફિલ્મ મસાન પણ આમાની એક હતી. ગંગા તીરે સળગતી ચિતાઓ સાથે સળગતી જિંદગીને પદડા પર લઈને નિરજ ઘેવાન અને વરૂણ ગ્રોવરની જોડી આવી હતી.
હવે આ જોડીમાં સુમિત રોયનું નામ જોડાયું છે અને ત્રણેયે મળીને લખી છે હૉમબાઉન્ડ. આ ફિલ્મમાં મેનસ્ટ્રીમ કલાકારો હોવા છતાં તેની ચર્ચા ઓછી થઈ છે, પરંતુ ગઈકાલે આ ફિલ્મને ભારત તરફથી ઓસ્કારમાં એન્ટ્રી મળતા તે ચર્ચામાં આવી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં નવ મિનિટ સ્ટેન્ડિંગ ઑવેશન મેળવી ચૂકેલી આ ફિલ્મ 26મી સપ્ટેમ્બરે દેશના થિયેટરોમાં રિલિઝ થશે, ત્યારે ચાલો જાણીએ ફિલ્મનો રિવ્યુ

શું છે વાર્તા
બશરત પિરના ન્યૂ યોર્ક ટાઈમ્સના ઑપિનિયન પિસમા લખાયેલા Taking Amrit Home પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મને પછીથી A Friendship, A Pandemic, Death Beside the Highway એમ ઘણા બધા ટાઈટલ્સ આપ્યા છે. આ વાર્તા આમ તો કહેવાની કે પદડા પર જોવાની નથી, પણ મહેસુસ કરવાની છે.
ચંદન કુમાર (વિશાલ જેઠવા) અને મોહંમદ શોએબ (ઈશાન ખટ્ટર) આ બે મિત્રો અને તેમના પરિવાર સાથે જાત-પાત અને દેશની વાસ્તવિકતાનો ચિતાર આપતી વાર્તા છે. જે કોરોનાકાળને વરવો ભૂતકાળ માની આપણે ભૂલી ગયા છે, તેણે લાખોના જીવનમાં કેવો શૂન્યાવકાશ સર્જયો છે તેની વાત છે.
આ બે મિત્રોના સપના જોવાની અને તૂટવાની વાર્તા છે. આ બે સાથે ત્રીજી એક મિત્ર જોડાય છે સુધા ભારતી (જ્હાનવી કપૂર), જે અંધારામાં દીવો પ્રગટાવવાનું કામ કરે છે. આંબેડકરવાદી સુધા અંધારામાંથી બહાર નીકળી અજવાળા માટે મથતા રહેવાનું કામ કરે છે.
ત્રણેય ખૂબ જ સંઘર્ષ કરી પોલીસખાતામાં ભરતી માટે પરીક્ષાની તૈયારી કરે છે, પણ પછી કોરાનાકાળ અને જીવનની વાસ્તવિકતાઓ આ બન્ને મિત્રો અને વંચિત, ગરીબ પરિવારોનો સંઘર્ષ તમને અંદરથી અવાચક કરી નાખશે. આ ફિલ્મ મનોરંજન માટે તો નથી જ, વિકાસની વાતો વચ્ચે જીવાતા અમાનવીય જીવનની વાત છે, જેના ભાગ અને ભોગ આપણે પણ છીએ.

કેવી છે એક્ટિંગ અને ડિરેક્શન
ખૂબ જ નવાઈની વાત છે કે જ્હાનવી કપૂર અને ઈશાન ખટ્ટર જેવા કલાકારો હોવા છતા અને ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્માણ પામેલી હોવા છતાં આ ફિલ્મની કોઈ બઝ ક્રિએટ નથી થઈ. મોટાભાગના લોકોને ખબર જ નહીં હોય કે આવી પણ કોઈ ફિલ્મ રિલિઝ થવા જઈ રહી છે.
ફરી આવીએ એક્ટિંગ પર તો હવે એમ કહેવાનું બંધ કરી દેજો કે આજના કલાકારો માત્ર નેપોટિઝમને લીધે ફિલ્મ મેળવી લે છે, બાકી તેમને અભિનય સાથે કંઈ લેવા દેવા નથી. આ ફિલ્મમાં બે નેપોકિડ્સ છે. એક જહાનવી અને બીજો ઈશાન. બન્નેએ સાથે ધડકથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
આ સાથે ત્રીજો કલાકાર છે વિશાલ જેઠવા. આ ત્રણેયે જે લેવલનું કામ કર્યું છે તે જોતા લાગે છે કે તેમનામાં એક્ટિંગ સ્કીલની કોઈ કમી નથી. બહારથી શાત પણ અંદરથી ઘુઘવાતા, સપના જોતા દલિત યુવાન ચંદન કુમારના પાત્રમાં વિશાલ, મુસ્લિમ હોવાનો બોજ વંઢોરતો પણ પોતાની દુનિયામાં હસતો મોહંમદ શોએબ એટલે કે ઈશાન ખટ્ટર અને આંબેડકવાદી સાથે આશાવાદી યુવતી તરીકે જ્હાનવી કપૂરે પોતાના પાત્રોમાં આત્મા રેડી દીધો છે.
આટલા ગ્લેમરલેસ રોલમાં પણ ત્રણેય એકદમ કન્વિસિંગ લાગી રહ્યા છે. તેમના સિવાય તમામ કલાકારોએ ફિલ્મને ક્લાસિક બનાવવામાં મદદ કરી છે. હવે વાત કરવી છે રિયલ હીરો એટલે કે ડિરેક્ટરની. જે અનુભવ્યું હોય તે પદડા પર ઉતારવાનું સહેલું હોઈ શકે, પણ આટલી મેચ્યોરિટી સાથે આવા સબ્જેક્ટને હેન્ડલ કરવાનું કામ નિરજ ઘેવાન જેવા ગણ્યાગાંઠ્યા નિર્દેશકો જ કરી શકે.
ફિલ્મમાં જ્યા જે જરૂર છે, તે આપ્યું છે નિરજે. તીખા ડાયલોગ્સ છે તો પિનડ્રોપ સાયલન્સ પણ છે. એક એક સિન અને સિચ્યુએશન તમારા મનમસ્તિકને સ્પર્શ કર્યા વિના રહેતી નથી. પોતે દલિત પરિવારમાં ઉછર્યો હોવાથી સમાજ જે કડવાશ આપે છે તે તેણે પીધી છે અને તે તેની ફિલ્મો દ્વારા તે તમને પણ ચખાડે છે.

ફિલ્મ ક્યાંક ધીમી છે, પરંતુ તે ક્ષણો પણ ખાલી નથી લાગતી. તમે જો એક સંવેદનશીલ દર્શક હોવ, તો તમારા મન-હૃદયમાં ઉઠતી ચીસને થોડી શાંત પાડવાનો સમય નિરજ તમને આપે છે. મસાન ચોક્કસ ઈન્ડિયન ઓડિયન્સ માટે એક સરપ્રાઈઝ ટ્રીટ હતી, હને નિરજ પાસેથી એક લેવલની ફિલ્મની અપેક્ષા ચોક્કસ હશે, અને નિરજ તેમાં ક્યાંય પાછો પડ્યો નથી.
આ ફિલ્મ આપણા દેશની જાતપાત, સરકારી રેઢિયાળપણું બધુ જ બતાવે છે, છતાં ફિલ્મ લાખોના જીવનને સ્પર્શે છે તે માટે ઓસ્કાર સિલેક્શન કમિટીએ તેને મોકલવાનો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયને પણ સરાહવો જોઈએ. આ ફિલ્મને ઓસ્કાર મળે કે ન મળે, પણ આપણી આસપાસના લોકોના જીવનમાં ડોક્યું કરવા માટે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 4.5