Holi Special: બિગ બીના ઘરે ઉજવાતી હોળી સૌને કેમ યાદગાર રહેતી?

મુંબઈઃ રંગોના પર્વ હોળી આવી રહી છે અને દરેક જગ્યાએ માહોલ રંગીન થતો જોઈ શકાય છે. આ તહેવાર અમીર કે ગરીબ જ નહીં પણ આ દિવસે તો સેલિબ્રિટી પણ રંગપર્વની ઉજવણી કરે છે ત્યારે બોલીવુડના શહેનશાહના ઘરે ઉજવાતી હોળી યાદગાર હોય છે. વાસ્તવમાં બિગ બીના અમિતાભ બચ્ચનના બંગલા પર ઉજવાતી હોળીની પાર્ટીમાં અનેક સિતારા ધમાલ મચાવતા હોય છે ત્યારે ચાલો જાણીએ મજાના કિસ્સા.
એક જમાનામાં અમિતાભ બચ્ચન દર વર્ષની હોળીની પાર્ટી પોતાના બંગલા પર ઓર્ગેનાઈઝ કરતા હતા. આ પાર્ટીમાં હોળીના ગીતો અને બોલીવુડના કલાકારોને સામાન્ય માણસની જેમ નાચતા જોઈ શકાતા હતા. આ પાર્ટીમાં પોતે અમિતાભ બચ્ચન પણ આ પાર્ટીનું મુખ્ય આકર્ષણ બનીને હોળીના ગીતો પર મન મૂકીને મજા કરતા હતા.
અમિતાભ બચ્ચન પોતાના ઘરની હોળીની પાર્ટીમાં આવતા લોકોનું પોતે જ સત્કાર કરતા હતા, જેથી અમિતાભ બચ્ચનની પાર્ટી એટલી જોરદાર હતી કે દરેક લોકો આ પાર્ટીમાં સામેલ થવા માગતા હતા.
અમિતાભની પાર્ટીમાં માત્ર હોળીના ગીત અને હવામાં ઉડતા રંગો-ગુલાલ જ નહીં પણ આ પાર્ટીમાં આવનારા લોકો માટે એક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી. મહેમાનોનું સ્વાગત એક ખાસ ટબથી કરવામાં આવતું હતું. ખરેખર બચ્ચન પરિવારના ઘરે રાખવામાં આવેલા આ ખાસ ટબમાં પહેલાથી જ રંગીન પાણી ભરેલું હોય છે અને મહેમાનોને ડૂબકી લગાવીને જ પ્રવેશ આપતા એટલે બધા એક સરખા રંગમાં રંગાયેલા જોવા મળતા.
ભલે આ પાર્ટીમાં બહુ મજાથી હોળીની ઉજવણી કરવામાં આવતી, પરંતુ સૌના માન-સન્માનનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું. ક્યારેય પણ આ ભવ્ય પાર્ટીને લઈ કોઈ પણ પ્રકારની ફરિયાદ સામે નથી આવી. અહીંની મહેમાનનવાજી, ખાસ ભોજન, હોળીના ગીતો પર ઉત્સાહ ઉમંગ સાથે ડાન્સ આજે પણ લોકો યાદ કરે છે.