હોળીનું આ ગીત શૂટ કરવા લાગ્યા હતા 10 દિવસ, દેશભરમાંથી મંગાવવામાં આવ્યો હતો કલર…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં અત્યાર સુધી અનેક આઈકોનિક ફિલ્મો બની છે જે દર્શકોના માનસપટલ પર જીવંત હશે. આજે હોળીના અવસરે અમે અહીં તમારા માટે આવી જ એક આઈકોનિક ફિલ્મના આઈકોનિક ગીત વિશે જણાવવા જઈ રહ્યા છે. આ ગીત એટલા માટે પણ ખાસ છે કારણ કે આ ગીત બાદ જ ફિલ્મની કહાનીમાં ટ્વીસ્ટ આવે છે.
અહીં વાત થઈ રહી છે ફિલ્મ શોલેના ગીત હોલી કે દિન…ની. આ હીતમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમા માલિની અને જયા બચ્ચન ઘણા બધા ગુલાલની વચ્ચે ડાન્સ કરે છે. પણ શું તમને ખબર છે કે આ ગીત શૂટ કરવા માટે 10 દિવસનો સમય લાગ્યો હતો? એટલું જ નહીં પણ આ ગીતમાં ઉપયોગમાં લેવા માટે દેશભરમાંથી ગુલાલ મંગાવવામાં આવ્યો હતો? નહીં ને? ચાલો તમને આજે આ ગીત પાછળની સ્ટોરી સંભળાવીએ…
બોલીવૂડની આજની તારીખમાં પણ ક્લાસિક ગણાતી ફિલ્મ શોલેના ડિરેક્ટર રમેશ સિપ્પીએ હાલમાં જ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં આ ગીતના શૂટિંગ સમયનો કિસ્સો સંભળાવ્યો હતો. રમેશ સિપ્પીને ફિલ્મ ‘શોલે’ના આઇકોનિક ગીત હોલી કે દિન… વિશે પૂછવામાં આવ્યું હતું. આ સવાલના જવાબમાં રમેશ સિપ્પીએ જણાવ્યું હતું કે ‘બેંગલુરુમાં 10 દિવસનું શૂટ હતું અને સીન રિયલ લાગે એ માટે તમામ કલાકારોઓએ ગુલાલ લગાવવો પડ્યો હતો અને એ માટે અમારે આખા દેશમાંથી હોળીના રંગોની વ્યવસ્થા કરવી પડી હતી કારણ કે એ સમયે અમને પૂરતા રંગ મળી નહોતા રહ્યા.
રમેશ સિપ્પીએ આગળ પોતાના ઈન્ટરવ્યુમાં એવું પણ જણાવ્યું હતું કે ‘તમે તમામ ગામવાસીઓને કોઈ પણ કારણ વિના એકઠા કરી શકતાં નથી અને હોલી એ માટે સૌથી પરફેક્ટ ટાઈમ હતો. એ જ સમયે ફિલ્મમાં ગબ્બરની એન્ટ્રી થાય છે અને ગામવાસીઓને પૂછે છે કે કબ હૈ હોલી…બસ તરત જ હોલી કે દિન ગીતની શરૂઆત થાય છે અને પછી બધુ એક સાથે જોવા મળે છે. બસંતી અને વીરુ વચ્ચેનો રોમાંસ અને રાધા-જય વચ્ચે ચૂપ-ચુપ વાઇબ્સ. રમેશ સિપ્પીએ પણ યાદ કર્યું હતું. પંચમ અને આનંદ બક્ષીએ તેમના વિચાર પ્રમાણે આ આખું ગીત તૈયાર કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘શોલે’ વર્ષ 1975માં થિયેટરમાં રિલિઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર બજેટ કરતાં પણ અનેક ઘણી ગણી વધુ કમાણી કરી હતી.