ડ્રીમ ગર્લનો ડાયટ પ્લાન: હેમા માલિનીએ જણાવ્યું, કઈ રીતે 77 વર્ષે પણ ફિટ રહે છે?

મુંબઈ: બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’ અને રાજકારણી હેમા માલિનીએ આજે પોતાનો 77મો જન્મદિવસ ઉજવ્યો છે. બોલિવૂડના એવા ઘણા કલાકારો છે, જે વધતી ઉંમર સાથે પોતાની ફિટનેસ જાળવી શક્યા નથી. પરંતુ હેમા માલિનીએ 77 વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસ જાળવી રાખી છે. હેમા માલિનીની ફિટનેસનું રહસ્ય શું છે? આવો જાણીએ.
વહેલી સવારે કેવો બ્રેકફાસ્ટ કરે છે હેમા માલિની
પોતાના એક ઇન્ટરવ્યુમાં હેમા માલિનીએ પોતાની ફિટનેસ પાછળનું રહસ્ય જણાવ્યું હતું. હેમા માલિનીએ પોતાની ફિટનેસ માટે યોગ, નૃત્ય, ધ્યાન, સંતુલિત આહાર અને નિયમિત ઉપવાસને જવાબદાર ગણાવ્યા હતા. હેમા માલિનીએ જણાવ્યું હતું કે, હું સવારે ઉઠીને માત્ર એક કપ ચા પીઉં છું. આ ચા માટેનું દૂધ કેસરથી ઉકાળેલું હોય છે. ચા સાથે, હું ક્રિસ્પી મેરી બિસ્કિટ લેવાનું પસંદ કરૂં છું. હું દિવસમાં ફક્ત બે કપ જ ચા પીઉં છું.”

બ્રેક ફાસ્ટ અંગે હેમા માલિનીએ જણાવ્યું હતું કે, “મને નાસ્તામાં ઇડલી ખાવી ગમે છે. હું વડા જેવો તળેલો ખોરાક ખાવાનું ટાળું છું. હું રવિવારે સાદા દહીં સાથે પનીર પરાઠા ખાઉં છું.” આ સિવાય હેમા માલિની રૂઢિચુસ્ત આયંગર પરિવારમાંથી આવે છે. જેથી તેઓનો આહાર સંપૂર્ણપણે શાકાહારી છે. હેમા માલિની રોટલી અને ભાત બંને એક સાથે ખાવાનું ટાળે છે. તેમને દક્ષિણ ભારતીય અને ગુજરાતી ભોજન, ખાસ કરીને કઢી અને રસમ ખૂબ પસંદ છે.
આ પણ વાંચો: જન્મદિવસે અભિનેત્રી હેમા માલિનીએ કેમ કહ્યું કે હું હતાશ અને દુઃખી છું
અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ
ઉલ્લેખનીય છે કે, હેમા માલિની ફિટનેસ માટે ઉપવાસને પણ જવાબદાર ગણાવે છે. તેઓ સોમવારે ભગવાન શિવ અને શુક્રવારે દેવી દુર્ગા અથવા લક્ષ્મી માટે નિયમિત ઉપવાસ કરે છે. ઉપવાસ દરમિયાન, તેઓ મીઠા વગરના પનીરના બે નાના ટુકડા, એક કેળું અને એક ગ્લાસ નારંગીનો જ્યુસ પીવે છે. જો ઉપવાસ દરમિયાન તેઓ શૂટિંગ પર હોય તો ફળોનું સલાડ અને મીઠા વગર બાફેલી શાકભાજી ખાય છે. જોકે, તેઓ ઉપવાસ માત્ર સાંજે સાડા છ વાગ્યા સુધી જ ઉપવાસ રાખે છે. પોતાની આ સંતુલિત જીવનશૈલી અને શિસ્તબદ્ધ આહારે જ હેમા માલિનીને 77 વર્ષની ઉંમરે પણ ‘ડ્રીમ ગર્લ’ તરીકે કાયમ રાખ્યા છે.