હેમા માલિની અને દીકરીઓના સની-બોબી સાથે કેવા છે સંબંધો? જાણો વાયરલ વીડિયોનું સત્ય

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધન બાદ સોશિયલ મીડિયા પર અનેક અટકળોએ જોર પકડ્યું હતું. ખાસ કરીને હેમા માલિની અને તેમની બંને દીકરીઓ ઈશા-અહાનાનો સની દેઓલ અને બોબી દેઓલ સાથે કેવો સંબંધ છે, તે અંગે લોકોમાં હંમેશા ઉત્સુકતા રહી છે.
ઘણી વખત મીડિયામાં એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે હેમા માલિનીની ગેરહાજરીમાં ભાઈ બહેનો વચ્ચે અણબનાવો બન્યા હોય, પરંતુ હકીકતમાં આ પરિવાર વચ્ચેનું બોન્ડિંગ ઘણું મજબૂત છે. એક જૂના ઇન્ટરવ્યૂના વીડિયોએ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
આપણ વાચો: ઉતાવળમાં કરવામાં આવેલા ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર બાબતે હેમા માલિનીનો ચોંકાવનારો ખુલાસો
સિમી ગરેવાલ સાથેની એક જૂની વાતચીત દરમિયાન ઈશા દેઓલે તેના ભાઈઓ સની અને બોબી સાથેના સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી હતી.
ઈશાએ જણાવ્યું હતું કે જ્યારે પણ તેઓ લંડન જાય છે ત્યારે તેઓ સનીભાઈ સાથે ઘણો સમય વિતાવે છે. બોબી પણ ક્યારેક તેમની સાથે જોડાય છે, પરંતુ ઈશા અને અહાના હંમેશાં સની દેઓલ સાથે વધુ સમય વિતાવવાનું પસંદ કરે છે. આ વાતો પરથી સ્પષ્ટ થાય છે કે બંને ભાઈઓ પોતાની બહેનો પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવે છે.
આ ચર્ચામાં હેમા માલિનીએ પણ સની અને બોબીના વખાણ કરતા તેમને ‘સારા સંતાન’ ગણાવ્યા હતા. હેમા માલિનીએ નોંધ્યું હતું કે સનીનો સ્વભાવ અને તેની વર્તણૂક તેના પિતા ધર્મેન્દ્ર જેવી જ છે.
આપણ વાચો: ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ઉંમરમાં કેટલો તફાવત છે?
સનીમાં પિતાની છબિ દેખાય છે, જ્યારે બોબી દેઓલ તેનાથી થોડો અલગ અને મજાકિયા સ્વભાવનો છે. હેમા માલિનીએ જે રીતે સનીના સ્વભાવના વખાણ કર્યા હતા, જે દર્શાવે છે કે પરિવારમાં એકબીજા પ્રત્યે ખૂબ જ માન અને સન્માનની લાગણી છે.
સંબંધોની મીઠાશ વિશે વાત કરતા ઈશાએ જણાવ્યું કે સની ભાઈ તેને ખૂબ જ સુંદર શૂઝ ગિફ્ટમાં આપે છે, કારણ કે તેને સ્પોર્ટ્સ ગમે છે. ઈશાના કબાટમાં આજે પણ સનીએ આપેલા શૂઝનો મોટો સંગ્રહ છે.
બીજી તરફ અહાનાએ જણાવ્યું કે બોબી ભાઈ તેને ટેકનોલોજીને લગતી વસ્તુઓ જેવી કે વોકમેન અને ડિસ્કમેન લાવી આપતા હતા. આ નાની નાની વાતો સૂચવે છે કે ભલે તેઓ જાહેરમાં સાથે ઓછા દેખાતા હોય, પણ અંગત જીવનમાં તેમનો સંબંધ અતૂટ અને આત્મીય છે.
આ સમગ્ર વાતચીત એ વાતની સાક્ષી પૂરે છે કે દેઓલ પરિવારના સંબંધો માત્ર ઔપચારિક નથી, પરંતુ પ્રેમ અને હૂંફથી ભરેલા છે. સની દેઓલ એક રક્ષક અને જવાબદાર મોટા ભાઈની ભૂમિકા ભજવે છે, જેનું માન હેમા માલિનીની બંને દીકરીઓ રાખે છે. પિતૃસત્તાક ગણાતા આ પરિવારમાં સંસ્કારો અને પરસ્પર સ્નેહનો મજબૂત પાયો આજે પણ અકબંધ છે, જે સોશિયલ મીડિયાની નકારાત્મક ચર્ચાઓ કરતા તદ્દન અલગ છે.



