મનોરંજન

હેપ્પી બર્થ ડેઃ આજે બે સુંદરીઓના જન્મદિવસ, જેમની પર્સનલ લાઈફ પણ રહી ચર્ચામાં

1994ની સાલમાં આખા દેશને ગર્વ થયો હતો કારણ કે એક 18 વર્ષની દેશની દીકરીએ મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો અને આ પહેલા એક યુવતીએ 1970માં મિસ ઈન્ડિયા પેસેફિકનો ખિતાબ જીતી દેશને ખુશી આપી હતી. આજે આ બન્ને સુંદરી અને અભિનેત્રીના જન્મદિવસ છે. એક છે સુસ્મિતા સેન અને બીજાં ઝિન્નત અમાન.
મુસ્લિમ પિતા અને હિન્દુ માતાના સંતાન ઝિન્નતનું શિક્ષણ થોડું પંચગની અને થોડું જર્મનમાં થયું. તે 18 વર્ષની ઉંમરે ફરી મુંબઈ આવી અને ફેમિના મેગેઝિનમાં થોડા સમય કામ કર્યા બાદ મોડલિંગમાં ઝંપલાવ્યું અને ખિતાબો જીત્યા. તે બાદ ફિલ્મોમાં ઝંપલાવ્યું. શરૂઆતની નિષ્ફળતા બાદ દેવ આનંદની હરે રામ હરે કુષ્ણાથી ઝિન્નતના નસીબ ચમક્યા અને ઝિન્નતને ઓળખ મળી. તેનું ગીત દમ મારો દમ યુવાનોમાં બહુ ફેમસ થયું, પરંતુ આ ફિલ્મમાં મેરિજુનાના દમ મારતી ઝિન્નતને બતાવાઈ હોવાથી તેની ટીકા થઈ અને એક સમયે ઓલ ઈન્ડિયા રેડિયો પર આ ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ રીતે જ રાજકપૂરની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં તેના કપડાં અને તેણે કરેલા અંગ પ્રદર્શનનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. રાજકપૂર સાથેના તેનાં સંબંધો પણ ચર્ચાના ચકડોળે ચડ્યા હતા. પહેલા પતિ સંજય ખાને તેને મુંબઈની હોટલમાં બધાની સામે મારી હતી અને તેના લીધે ઝિન્નતે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું તેમ જ તેની આંખને જીવનભર નુકસાન થયું તો બીજા પતિ મઝહર ખાન સાથે પણ તેનાં સંબંધોથી તે ખુશ ન હતી, બાર વર્ષ બાદ બન્ને અલગ થયા અને તેમના અલગ થયાના થોડા સમયમાં મઝહર ખાનનું મોત થયું. ઝિન્નતનું નામ પાકિસ્તાની ક્રિકેટર અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સાથે પણ જોડાયું. જોકે હવે ઝિન્નત રિયાલિટી શોમાં દેખાય છે ને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે.
બીજી અભિનેત્રી સુસ્મિતા. સુસ્મિતાનું ફિલ્મી કરિયર ખાસ કંઈ ઝળક્યું નથી. તેની બીવી નંબર વન અને મૈં હુ ના જેવી બે-ચાર ફિલ્મોએ સારો જમાવડો કર્યો પણ સુસ્મિતાના ભાગે ઝાઝી લોકપ્રિયતા આવી નથી. તાજેતરમાં તેની વેબસિરિઝ આર્યાની ત્રીજી સિઝન આવી છે. સુસ્મિતા અપરિણિત રહી છે અને બે દીકરી દત્તક લીધી છે. જોકે તેનાં સંબંધો વિશે વારંવાર ચર્ચાઓ ચાલે છે. ફિલ્મસર્જક વિક્રમ ભટ્ટ સાથેના તેનાં સંબંધો જગજાહેર છે. તે બાદ તે પોતાનાથી 15 વર્ષ નાના યુવાનના પ્રેમમાં હતી ત્યારે તાજેતરમાં આઈપીએલના પૂર્વ ચેરમેન લીલત મોદી સાથેની ડેટિંગના તેના ફોટાએ ભારે ચર્ચા જગાવી હતી.
જોકે બન્ને અભિનેત્રીઓ પોતાના સમય કરતા આગળ રહેવામાં માને છે અને પોતાનું જીવન પોતાની શર્તો પ્રમાણે જીવી છે.
તેમને જન્મદિવસની શુભકામનાઓ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button